Bhavnagar,તા.20
ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય `T-20 વર્લ્ડ કપ’જીતનો ઉત્સવ ગઈકાલે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને ‘મિસ્ટર 360’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરઆજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા. ભારત વિશ્વવિજેતા બને તે માટે રાખેલી માનતા પૂર્ણ કરવા બંને દિગ્ગજો પોતાની સાથેવર્લ્ડ કપ ટ્રોફીપણ લાવ્યા હતા.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે દાદાના ગર્ભગૃહમાં જઈને સુવર્ણ વર્લ્ડ કપ ટ્રોફી હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી હતી. દાદાના ચરણે ટ્રોફી ધરીને બંનેએ દેશની આ મોટી સફળતા માટે આભાર માન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
આ પવિત્ર અવસરે કેપ્ટન સૂર્યકુમાર અને કોચ ગંભીરે ધજા પૂજનની વિધિ સંપન્ન કરી હતી અને મંદિરના શિખર પર આસ્થા સાથે ધજા ચડાવી હતી. મંદિરના સંતો દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું,શ્રી નૌત્તમસ્વામીજી (પ્રમુખશ્રી, સત્સંગ મહાસભા), શ્રી શુકદેવસ્વામીજી (ગોકુલધામ નાર), કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી-સાળંગપુરધામ,પૂજ્ય સંતોએ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની નેતૃત્વ ક્ષમતા અને ભારતીય ટીમની મહેનતને બિરદાવી હતી.
આગામી ટુર્નામેન્ટ્સમાં પણ ભારત વિજયી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું સંબોધનઃ- દર્શનાર્થે આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, “વર્લ્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું અને દાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ. આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમ ભાઈ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ.”

