Kashmirતા.20
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આજે એક યાત્રી બસ ખાઈમાં ગબડી પડતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને અન્ય અનેક ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઉધમપુર જિલ્લાના કધોટ ગામ પાસે બની હતી.
રામનગરથી ઉધમપુર જઈ રહેલી એક ટ્રાન્સપોર્ટ બસ અચાનક જ રોડ નજીકની ખાઈમાં ગબડી પડી હતી અને ઉંડે સુધી તે ધસી ગઈ હતી. બસને દુર્ઘટના નડતા જ અંદર પ્રવાસ કરતા મુસાફરોમાં ચીસાચીસ થઈ ગઈ હતી.
જેમાં પંદર લોકો માર્યા ગયા છે અને વધુ અનેક ઘાયલ થયા છે જેઓની હાલત ગંભીર માનવામાં આવે છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક અધિકારીઓએ તુર્તજ રાહત બચાવ કામગીરી ચાલુ કરી હતી. સ્થાનિક લોકોએ પણ નીચે ખાઈમાં ઉતરીને ઈજાગ્રસ્તોને તાત્કાલીક બચાવવા માટે પ્રયત્ન કર્યા હતા.
અત્યાર સુધીમાં 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જયારે 10થી વધુને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં અનેકની હાલત ગંભીર માનવામાં આવે છે. આ વિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટનાઓ સતત થતી રહે છે.
બસ ઉંડી ખાઈમાં પડતા તેના પર માટી ધસી પડી હતી અને તેના કારણે મૃતદેહો તથા ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મુશ્કેલી નડી હતી. રાજય સરકારે મૃતકના ફેમીલીને બે લાખ તથા ઈજાગ્રસ્તને રૂા.50 હજારની સહાયની જાહેરાત કરી છે.

