Iran,તા.21
ફેબ્રુઆરી 2026 માં જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાની અણી પર આવ્યું, ત્યારે વિશ્વના તેલ બજારમાં હાહાકાર મચી ગયો હતો. દરરોજ 2 કરોડ બેરલ તેલ જ્યાંથી પસાર થાય છે તે રસ્તો જોખમમાં આવતા સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાક જેવા દેશોએ હવે ‘પોર્ટ ટુ પાઈપલાઈન’ મિશન તેજ કર્યું છે.
સાઉદી અરેબિયાએ તેની સૌથી મહત્વની પેટ્રોલાઈનને ફૂલ સ્પીડ પર ચલાવવાનો નિર્ણય લીધો છે. આ પાઈપલાઈન તેલને અબકાઈક (પૂર્વી ક્ષેત્ર) થી સીધું યંબુ પોર્ટ (લાલ સમુદ્ર) સુધી પહોંચાડે છે. આની ક્ષમતા 70 લાખ બેરલ પ્રતિ દિન છે. અગાઉ અહીંથી માત્ર 17 લાખ બેરલ મોકલાતું હતું, જે માર્ચ 2026 માં વધારીને 59 લાખ બેરલ કરી દેવાયું છે. આનાથી તેલ હોર્મુઝની જરૂરિયાત વગર જ યુરોપ અને એશિયા પહોંચી શકશે.સંયુક્ત આરબ અમીરાતે પણ હોર્મુઝના રસ્તાને બાયપાસ કરવા માટે તૈયારી કરી લીધી છે. 380 કિમી લાંબી આ પાઈપલાઈન હબશાન તેલ ક્ષેત્રને સીધું ફુજૈરા પોર્ટ સાથે જોડે છે, જે ઓમાનની ખાડીની બહાર અરબ સાગરમાં સ્થિત છે. ફુજૈરા પોર્ટથી તેલ સીધું હિંદ મહાસાગરમાં જાય છે, જેનાથી ઈરાન સાથેના સીધા ટકરાવની શક્યતા ઘટી જાય છે.ઈરાક તેની કિર્કુક-સેયહાન પાઈપલાઈન દ્વારા તુર્કી થઈને તેલ નિકાસ કરી રહ્યું છે. સાથે જ ઈરાક હવે સાઉદી અરેબિયા અને જોર્ડન થઈને લાલ સમુદ્ર સુધી જતી જૂની પાઈપલાઈનોને ફરી શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. ઓમાનનું દુકમ પોર્ટ હવે વૈકલ્પિક તેલ હબ બની રહ્યું છે. સાઉદી અને યુએઈ અહીં સુધી 10 અબજ ડોલરના ખર્ચે નવી પાઈપલાઈન બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે.

