New Delhi, તા.23
પશ્ચિમ બંગાળ તથા તમીલનાડુમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીમાં આજે ફરી એક વખત પશ્ચિમ બંગાળમાં હિંસા જોવા મળી છે અને તેની સાથોસાથ બંને રાજ્યોમાં ભારે મતદાનના પણ સંકેત છે. તામિલનાડુમાં તમામ 234 ધારાસભા બેઠકનું આજે એક દિવસમાં મતદાન થઇ રહ્યું છે અને છેલ્લા સમાચાર મળ્યા.
ત્યારે રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 60 ટકા જેટલા મતો પડ્યા છે અને કેરળ તથા આસામની જેમ રાજ્યમાં પણ એક તબકકાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થાય તેવા સંકેત છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભારે મતદાનની સાથે અનેક સ્થળો હિંસા પણ જોવા મળી છે.
મુર્શીદાબાદ જિલ્લામાં મતદાન પૂર્વે ગઇકાલે રાત્રે હિંસા જોવા મળી હતી અને રાત્રિના અનેક સ્થળોએ દેશી બોમ્બ ફેંકાયા હતા તો આજે સવારે આ વિસ્તારમાં તૃણમુલ કોંગ્રેસથી અલગ થઇને પોતાનો આમ જનતા ઉન્નયન પાર્ટી રચનાર પૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીરનો પણ જબરો વિરોધ થયો હતો અને તેના આ વિસ્તારમાં આવવા ન દેતા. બંને તરફના સમર્થકો બાખડી પડ્યા હતા.
બાદમાં હુમાયુ કબીર ધારણા પર બેસી ગયા છે. તો બીજી તરફ આસનસોલમાં ભાજપના ઉમેદવારની કાર પર પથ્થરમારો થયો હતો જેથી તેમને તે વિસ્તારમાંથી નાસી જવાની ફરજ પડી હતી.
રાજ્યમાં કુમારગંજમાં ભાજપના ઉમેદવાર શુવેંદુ સરકાર પર ભીડે હુમલો કરતાં તેઓને ભાગવાની ફરજ પડી હતી અને અંતે સુરક્ષા ગાર્ડે તેમને બચાવ્યા હતા. તેમણે આ માટે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 60 થી 65 ટકા મતો બપોર સુધીમાં જ પડી ગયા છે અને સવારના પ્રારંભીક કલાકોમાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુરમાં મતદાન કર્યું હતું.
જ્યારે ગત ચૂંટણીમાં મમતાને હરાવનાર શુવેંદુ અધિકારીએ પહેલા પોતાની નંદીગ્રામ બેઠક પર અને બાદમાં મમતા સામે ફરી ટક્કર જ્યાં થઇ રહી છે તે ભવાનીપુરમાં મતદાન કર્યું હતું.
રાજ્યમાં અનેક સ્થળે ચૂંટણી પંચે ખાસ નિયુક્ત કરેલ અધિકારીઓની હાજરીમાં હીંસાના અહેવાલ છે. આમ પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો પર પ્રથમ તબકકાના મતદાન બાદ 29 તારીખે બાકીની બેઠકો પર મતદાન યોજાશે.
તામીલનાડુમાં આજે સવારથી તમામ 234 બેઠકો પર મતદાનમાં ભારે ભીડ ઉમટી હતી. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનએ તેમના પરિવાર સાથે મતદાન કરીને લોકોને સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડીયા પોસ્ટમાં ખાસ કરીને યુવાઓને ભારે મતદાનની અપીલ કરી હતી.

