New Delhi તા.24
ભારતમાં ભલે 80 કરોડથી વધુ લોકો મફતના અનાજ પર નભતા હોય પણ આ ઘટનાને સમાંતર ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી છે. મિલયેનર્સના મામલામાં ભારત દુનિયાભરમાં છઠ્ઠા નંબરે પહોંચ્યું છે. 30 મિલિયન ડોલર એટલે કે 250 કરોડ રૂપિયાથી વધુ સંપતિ રાખનારા (અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડીવિઝયુઅલ યુએચએનડબલ્યુઆઈ)ની સંખ્યા દેશમાં ઝડપથી વધી છે.
નાઈટ ફ્રેન્કના વેલ્થ રિપોર્ટ અનુસાર, ભારતમાં 30 મિલિયન ડોલરથી વધુ સંપતિ વાળા લોકોની સંખ્યા 2021થી 2026 દરમિયાન 63 ટકા વધીને 19,877 સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ ટેકનોલોજી, ઈન્ડસ્ટ્રીયલ અને મૂડીબજારોમાં ઝડપથી વેલ્થ ક્રીએશન દર્શાવે છે. વર્ષ 2031 સુધી ભારતમાં અતિ અમીરોની સંખ્યા 25217 થવાનું અનુમાન છે.
ભારતમાં-દુનિયામાં આ રીતે વધ્યા મિલયેનર્સઃ 89 નવા કરોડપતિઓના રોજ જન્મ થયા. છેલ્લા 5 વર્ષમાં દુનિયાભરમાં આ દરમિયાન 1,62,191 મિલિયેનર્સ વધ્યા, જેથી તેમની કુલ સંખ્યા વધીને 7,13,626 થઈ ગઈ. 250 કરોડથી વધુ સંપતિ ધરાવનારા 64 ટકા લોકો વધ્યા.
આગામી 5 વર્ષમાં પણ 27 ટકા વધવાની આશા છે. કયા દેશમાં કેટલા મિલયેનર્સઃ અમેરિકામાં 2,25,352 ચીનમાં 1,21,677, જર્મનીમાં 38,217, બ્રિટનમાં 27,876, ફ્રાન્સમાં 21,512 અને ભારતમાં 19,877 મિલયેનર્સ છે.
અબજોપતિઓમાં ભારત ત્રીજા ક્રમેઃ અમેરિકામાં 914, ચીનમાં 485 અને ભારતમાં 207 અબજોપતિઓ છે. ભારતમાં 51 ટકા વધીને અબજોપતિઓની સંખ્યા 313 થવાનું અનુમાન છે. ગ્લોબલ ભાગીદારી 8 ટકા થવાની આશા છે.

