New Delhi,તા.28
ભારતમાં સોનાને રોકાણ તરીકે ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. વર્ષ 2025માં સોનાનાં કુલ વપરાશનો લગભગ 40 ટકા હિસ્સો રોકાણ તરીકે ખરીદવામાં આવ્યો હતો, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે.
આમાં ગોલ્ડ ઈટીએફનો મોટો હાથ રહ્યો છે, જેમાં એકલા 37.5 ટન સોનાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ છેલ્લા 10 વર્ષમાં થયેલા કુલ રોકાણ કરતા પણ વધારે છે. વિશ્વભરમાં ચાલી રહેલા તણાવ અને સોનાના રેકોર્ડ ભાવને કારણે લોકો હવે ઘરેણાંના બદલે રોકાણ તરફ વધુ વળી રહ્યા છે.
કેરએજ રેટિંગ્સના એક તાજા રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે. રેટિંગ એજન્સીનો અંદાજ છે કે વર્ષ 2027 સુધી પણ રોકાણની આ માંગ 35-40 ટકાના ઉંચા સ્તરે જળવાઈ રહેશે.
તેનું કારણ એ છે કે લોકો પોતાનાં રોકાણને સુરક્ષિત રાખવા માટે સોનાની પસંદગી કરી રહ્યા છે. સાથે જ સેન્ટ્રલ બેંકો પણ સતત સોનું ખરીદી રહી છે. આશા છે કે 2026 સુધી સોનાના ભાવ ઉંચા સ્તરે જ રહેશે, જોકે વચ્ચે-વચ્ચે તેમાં વધ-ઘટ જોવા મળી શકે છે.

