New Delhi,તા.30
પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી પુર્ણ થયા બાદ તાત્કાલીક પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો ઝીંકાવાની અટકળો વ્યક્ત થતી જ હતી ત્યારે ગઈકાલે ચુંટણી પુર્ણ થતા જ મોડીરાત્રે પેટ્રોલીયમ મંત્રાલયના નામે પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો થયાનો મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. જો કે, સરકારના ધ્યાનમાં તે આવી જતા પરિપત્ર બનાવટી હોવાનુ અને કોઈ ભાવવધારો નહીં કરાયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
મોડીરાત્રે સોશ્યલ મીડીયામાં પેટ્રોલીયમ મંત્રાલયના નામે પરિપત્ર વાયરલ થયો હતો. વિશ્વબજારમાં ક્રુડતેલની તેજીથી પેટ્રોલિયમ કંપનીઓને થતા જંગી નુકશાનમાંથી આંશિક રાહત મળે તે માટે પેટ્રોલમાં 10 તથા ડિઝલમાં 12.50નો ભાવવધારો કરાયાનો તથા તત્કાળ અસરથી લાગુ થયાનો ઉલ્લેખ હતો.જો કે, સરકારે તાત્કાલીક પરિપત્ર બનાવટી હોવાની ચોખવટ કરીને કોઈ ભાવવધારો ન કરાયાનું જાહેર કર્યુ હતું. ચુંટણી પછી પણ કોઈ ભાવવધારો નહી થવાનું સરકારે અગાઉ પણ કહ્યું જ હતું.

