Rajkot,તા.30
રાજકોટ સહિત અનેક શહેરોમાં આજે સવારે સરેરાશ 14થી 15 કી.મી.ની ઝડપે ભેજવાળા પવનો ફુંકાયા હતા અને લઘુતમ તાપમાન 25થી 27 ડીગ્રી વચ્ચે રહેતા સવારનાં ભાગે શિતળતા અનુભવાઈ હતી.
જોકે ગઈકાલે બપોરે આકરો તાપ અને કાળઝાળ લૂંએ દઝાડયા હતા. ગઈકાલે પણ 43 ડીગ્રી સાથે રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. ખાસ કરીને શહેરમાં સાંજ સુધી 20થી 25 કી.મી.ની ઝડપે આગઝરતી લૂ ફુંકાતા નગરજનો ત્રસ્ત થઈ ગયા હતા.
દરમ્યાન રાજયના અન્ય શહેરોમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે અમદાવાદમાં 42,6, અમરેલીમાં 42.2, વડોદરામાં 40.2, ભાવનગરમાં 40, ભુજમાં 39.8, ડાંગમાં 38.2 ડિસામાં 40.2 દિવમાં 32.8 તેમજ ગાંધીનગરમાં 42.2, કંડલામાં 39 ડીગ્રી નલીયામાં 39.6, પોરબંદરમાં 34.2, સુરતમાં 34.2 અને વેરાવળ ખાતે 32.6 ડીગ્રી, મહતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે જામનગર શહેરમાં મહતમ તાપમાનનો પારો 1.5 ડીગ્રી નીચે સરકીને 37 ડીગ્રી રહ્યો હતો. તો લઘુતમ તાપમાન 26.8 નોંધાયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત બીજા દિવસે પણ 71 ટકા પવનની ગતી પ્રતિકલાક 13.2 કિ.મી. નોંધાઈ છે.
તેમજ ભાવનગરમાં ગરમી, બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. 26 કી.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાતા ભાવનગરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ગરમી બફારાને કારણે લોકો પરસેવે ન્હાયા હતા.
ભાવનગર શહેરનું મહતમ તાપમાન 40 ડીગ્રી હતું. જયારે લઘુતમ તાપમાન 24.2 ડીગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 44 ટકા પવનની ઝડપ 26 કી.મી. પ્રતિકલાકની રહી હતી.

