આપણે ત્યાં ચૈત્ર માસ કથા મહાત્મ્ય ગાવાનો મહિનો કહેવાય છે, અને લોકો પોતાનાં વડવા કે પિતૃઓને હાર્દિક અંજલિ આપવા માટે કથાનું આયોજન કરતાં હોય છે! કોઈ કોઈ તો તીર્થમાં કથાનું આયોજન કરે છે, અને આમ આખો પરિવાર ભેગાં બેસીને ભગવત્ સ્મરણ તેમજ સત્સંગ કરે છે! જોકે એ વાત જુદી છે કે, આવાં સમારોહ પૂરાં થયાં પછી બધાં સ્નેહીજનો, આયોજન કેવું હતું, અને શું શું ખોટ હતી! જમવાનું સારુ હતું કે નહીં! કે પછી કોણે શું પહેર્યું, અને શું કહ્યું વગેરે જ યાદ રહે છે, જે સાંભળવાં ગયાં હતાં! એટલે કે ઈશ્વર પણ જ્યારે માનવ શરીર ધારણ કરીને જન્મ લે છે, ત્યારે એને પણ આવી સાંસારિક આદિ વ્યાધિ ઉપાધિ માંથી પસાર થવું પડે છે, માટે એવે સમયે ધીરજ રાખવી એ જ શ્રેષ્ઠ છે! મોહ માયા મમતા બધું જ પરમ તત્વથી દૂર લઈ જનાર છે, માટે ક્ષણે ક્ષણની જાગૃતિથી જેટલું બની શકે, એટલું અંતર રાખવું, પણ યોગ કરતાં ભોગનું પલ્લું ભારે હોવાથી યોગ કે ભક્તિમાં પ્રપંચ અથવા આડંબર પ્રવેશી જાય છે, અને એને કારણે ઉંમર વધવા છતાં વિષયોમાંથી નિવૃત્તિ થતી નથી, અને ધાર્યો વૈરાગ્ય આવતો નથી! છેક સુધી કાયાની આળપંપાળ છૂટતી નથી. તો સાંસારિક ભાવથી આવાં ક્ષણિક વૈરાગ્ય ભાવ આવી જતાં ભિક્ષુક થઈ જવાનો નિર્ણય લઈ નીકળી જતાં એક યુવાનનો કિસ્સો.
અનિકેતનાં મિત્ર સોહમએ પોતાના માતાપિતા પાછળ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને અનિકેતની પત્ની આરંભીનાં પપ્પાની તબિયત લથડતાં એ સપ્તાહમાં આવી શકી નહીં! એટલે અનિકેત એકલો જશે એવું નક્કી થયું. કેટલાંય વખતે બધાં મિત્રો આ રીતે ભેગા થશે! પાછું ઋષિકેશ એટલે નિર્મળ ગંગાનો તટ ! અને કુદરતી સૌંદર્ય પણ શહેર કરતાં વધુ હોય! અનિકેત મનોમન વિચારતો હતો કે શાસ્ત્રોમાં કહ્યાં મુજબ ગંગા સ્નાનથી પાપનો નાશ થાય છે! તો મને સવાર સાંજ ગંગા સ્નાન અને ગંગા આરતીનો લાભ મળશે, અને સાત જન્મનાં પાપ નાશ થશે! કારણ કે જાણે અજાણે પાપને નામે તો ખૂબ બધું થયું છે! અનિકેત અમદાવાદ મસુરી સુધી પ્લેન અને ત્યાંથી બાય રોડ ઋષિકેશ પહોંચી ગયો!
પ્રમાણમાં યંગ કહી શકાય એવા શુભાંષુ મહારાજ એ ભાગવતની કથામાં ખૂબ જમાવટ કરી, અને પ્રસંગને અનુરૂપ ઉદાહરણ આપી આપીને શ્રોતાઓને દૂધ જેમ તત્વ જ્ઞાન પીવરાવી દેતાં હતાં! કથામાં વિષય વૃત્તિ વૈરાગ્યની વાત આવી અને એમણે ભગવાન બુદ્ધની વાત કરી કે વૈરાગ્ય માટે ઉંમર વધવાની કે વૃદ્ધ થવાની રાહ જોવાની જરૂર નથી! રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ કે જે પાછળથી ભગવાન બુદ્ધ કહેવાયાં એને ભર યુવાનીમાં વૈરાગ્ય આવ્યો હતો! અને આત્મ અનુસંધાન માટે નીકળી પડ્યા હતાં. નિર્વાણ એવંમ મુક્તિ! અને એ મેળવવું એ મારો માત્ર અધિકાર નહીં પણ સંકલ્પ છે, એમ રાજપાટ, વૈભવ, પત્ની, પુત્ર, પરિવાર છોડીને નીકળી ગયાં!આ વાત અનિકેતના મગજમાં ઉતરી ગઈ અને એને થયું! શું રાખ્યું છે આ ખારાં સાગર જેવા સંસારમાં! ગમે તેટલું દોડી દોડીને એકઠું કરો !અંતે તો કંઈ જ સાથે આવવાનું નથી,અને સંબંધો પણ કહેવાનાં જ છે! હમણાં હું મહિને ઘરખર્ચનાં અને અન્ય મોજ શોખ કે વ્યવહાર માટે બે લાખ રૂપિયા આપવાનું બંધ કરી દઉં! તો કહેવાતાં આ પોતીકાં સંબંધોમાં તિરાડ પડ્યાં વગર રહે નહીં! આ લાગણી! આ દેખરેખ બધું જ રુપિયાને કારણે છે! બસ હવે બહુ થયું! જીંદગીનાં મહત્વનાં 35 વર્ષ મેં વેડફી નાંખ્યા,પણ હવે એક ક્ષણ નહીં! અને અનિકેત પાક્કો નિર્ણય કરી લીધો! પણ એકવાર આરંભીને મળી રજા લઈ, અને બધા રુપિયાનો વહીવટ સમજાવી દઉં! એમ નક્કી કર્યું, અને આ વખતે પ્લેનની બદલે ટ્રેનની ટિકિટ હતી. વયની વિવિધતા અને પ્રાંતની વિવિધતા વાળા મુસાફરોથી એસી કોચ ભરાયેલો હતો! અનિકેતને નીચેની બર્થ મળી હતી, એટલે એક વયસ્ક માતાજી આવ્યાં અને પોતાને પગની તકલીફ છે, માટે નીચેની બર્થ આપવા વિનંતી કરી! વૈરાગ્ય ભાવથી લદબદ થતું હ્રદય તરત જ પીગળી ગયું અને એ માતાજીને ખુશી ખુશી બર્થ આપી દીધી અને સામાન પણ પોતે જ સિફ્ટ કરી દીધો. પોતે એ માતાજીની બર્થ ઉપર સૂઈ ગયો! અને ત્યાં કંઈક અવાજ સંભળાયો! આ તો બે પ્રેમીની વાતો છે! એને ખ્યાલ હતો કે નીચે બે મહિલાઓ જ છે, અને એટલે એણે સહજતાથી નીચે જોયું તો એક યુગલ નીચે બેઠું હતું અને લગભગ બધા સૂઈ ગયા હશે, એમ સમજી એ યુવક પોતાની પ્રેમિકા પાસે આવ્યો અને પ્રેમની અભિવ્યક્તિ રૂપે સહજ અડપલાં કરતો હતો, અને પ્રેમિકા લજ્જા સહિત ઈન્કાર કરતી હતી! કહેતી હતી કે ઘરે પહોંચવાની રાહ તો જુવો, આટલાં અધીરા શું કામ થાવ છો? એમ મીઠો છણકો કર્યો! અને એ યુવક પડદો બંધ છે એ ખાતરી કર્યા પછી વધુ નજીક સરક્યો અને… અનિકેતને આરંભીની યાદ આવી ગઈ! એ ઉષ્માભર્યો સ્પર્શ અને એનું મધમીઠું આલિંગન! એનું મોહક સ્મિત! એનું માદક રુપ! સ્વર્ગ સમી એ રાતોની વણજાર… માંડમાંડ એ યાદોની જંજીર માંથી છૂટ્યો ! અને સૂવાની કોશિશ કરી ત્યાં! સામેની બાજુની બર્થ વાળા કાકા એ એના પુત્રને ફોન લગાડ્યો અને શેર બજારમાં ગજબનો કડાકો બોલ્યો! શેર માર્કેટ તૂટી અને રુપિયા ત્રીસ લાખનું નુકસાન થયું! એણે વલોપાત કર્યો અને કહ્યું થોડું ધ્યાન આપતો જા ! બહું મહેનતે રુપિયા ભેગા થાય છે! આટલી મૂડી એકઠી થતાં તારાં બાપને ત્રીસ વર્ષ થયાં! હું કહેતો હતો કે સરકારી સ્કીમમાં રાખીએ વગેરે! અને એને પણ પોતાની ફિક્સ ડિપોઝિટ અને ઇન્વેસ્ટમેન્ટ યાદ આવ્યું! આરંભી તો આવાં એકપણ વ્યવહાર જાણતી નથી! અને ક્યાં સહી કરવી, કેવી કરવી, એ પણ મારે જ કહેવું પડે છે! ઓહ શું થશે આટલાં રુપિયાનું? કોઈ છેતરપિંડી કરી એને રસ્તા પર લાવી દેશે તો! રુપિયા ભલભલાના ઈમાન ડગાવી દે છે! સવારનાં વહેલા ઉતરવા વાળા નાં અવાજ કારણે કલાકમા તો નીંદર ઉડી ગઈ! બે દિકરીઓ ગઈકાલે આમથી તેમ કરી આખો કોચ ગજવી મૂક્યો હતો એ સૂતી હતી, ત્યાં એનાં પપ્પા એની સગર્ભા મમ્મીને કહેતાં હતાં આ વખતે જો દિકરો ન આવે તો પાછી આવતી નહીં! મારે મારો વંશ જોઈએ છે! પેલી પત્ની કરગરી ને કહેતી હતી કે દિકરી જન્મે એમાં મારો શું દોષ ? પોતાનાં લગ્નને પણ ત્રણ વર્ષ થયાં છે, આરંભીને તો મા બનવાની ક્યારની ઈચ્છા છે! અને પોતાના મમ્મી પપ્પા એ પણ કેટલીય વખત કહ્યું કે બેટા દિકરો દિકરી એવાં ભેદમાં અમે માનતા નથી! પણ હવે વંશ વિસ્તારનું વિચારો.. કેટલી સુંદર છે આ દિકરીઓ અને પેલા નીચે વાળા યુગલનો છ મહિનાનો દિકરો પોતાની સાથે જૂની ઓળખાણ હોય એમ તેડાય ગયો હતો? એનાં નાનાં નાનાં અને કૂણાં અંગોનો સ્પર્શ કેટલો આલ્હાદક હતો! મને વૈરાગ્ય ભાવ થયો પણ એમાં આરંભીનો શું દોષ? એ વગર વાંકે મા નહીં બની શકે! એ તો મહાપાપ છે, ઓહ વૈરાગ્ય આપણાં બસની વાત નથી! અને રાજકુમાર સિદ્ધાર્થ ને પણ ઘર સંસાર શરૂ કર્યા પછી આમ સંન્યાસ લેવાની જરૂર નહોતી! બસ તો આ છે આપણાં સૌની મનોસ્થિતિ કે જે ક્યારેય ભિક્ષુક બનાવે તો ક્યારેક ભોગ માટે ભિખારી!
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

