ભગવાનના જન્મ-કર્મની દિવ્યતાને જાણવાવાળા કેવા હોય છે? તેનું વર્ણન આગળના શ્ર્લોક(૪/૧૦) માં કરતાં કહે છે કે..
વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ
(વીતરાગભયક્રોધાઃ-રાગ,ભય તથા ક્રોધથી સંપૂર્ણપણે રહિત, મન્મયા-મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત, મામ્-મારે જ, ઉપાશ્રિતાઃ-આશ્રયે રહેનારા તથા, જ્ઞાનતપસા-જ્ઞાનરૂપી તપ વડે, પૂતાઃ-પવિત્ર થઇને, બહવઃ-ઘણાય ભક્તો, મદ્ભાવમ્-મારા સ્વરૂપને, આગતાઃ-પામી ચુક્યા છે.)
રાગ-ભય તથા ક્રોધથી સંપૂર્ણપણે રહિત મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત મારે જ આશ્રયે રહેનારા તથા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઇને ઘણાય ભક્તો મારા સ્વરૂપને પામી ચુક્યા છે.
‘વીતરાગભયક્રોધા’-પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે.‘રાગ એટલે આસક્તિ,મોહ-મમતાનું પ્રાથમિક સ્વરૂપ,સહજ આકર્ષણ.આ વસ્તુ મને મળે,આનાથી મને લાભ થાય આવી અંત:કરણની વૃત્તિ.મારૂં કર્મ વીતરાગ હોવું જોઈએ.એનાથી મને શું મળે? આ ભાવના નષ્ટ થવી જોઈએ.હું પ્રભુપ્રિય થવા માટે પ્રભુચીંધ્યું કામ કરૂં છું-આ સહજ થવું જોઈએ.જીવનવિકાસનો રાગ પણ ન ચાલે કારણ કે રાગ આવે એટલે સારૂં લાગે અને જે સારૂં લાગે તે મારૂં થવું જ જોઈએ એમ લાગે અને ક્રમશઃ આ દોડ અધ:પતન તરફ દોરી જાય છે તેથી વીતરાગ આવવો અતિ આવશ્યક છે.
રાગથી પછી પ્રાપ્તમાં ‘મમતા’ અને અપ્રાપ્તમાં ‘કામના’ ઉત્પન્ન થાય છે.રાગવાળા પ્રિય પદાર્થોની પ્રાપ્તિ થતાં તો ‘લોભ’ થાય છે,પરંતુ તેમની પ્રાપ્તિમાં વિઘ્ન પહોંચવાથી વિઘ્ન પહોંચાડવાવાળા ઉપર ‘ક્રોધ’ થાય છે.જો વિઘ્ન પહોંચાડવાવાળી વ્યક્તિ પોતાનાથી વધારે બળવાન હોય અને તેના ઉપર પોતાનો વશ ન ચાલી શકતો હોય તથા સમય આવતાં તે આપણું અનિષ્ટ કરી દેશે તેવી સંભાવના હોય તો ‘ભય’ થાય છે.આ રીતે નાશવાન પદાર્થોના રાગથી જ ભય,ક્રોધ,લોભ,મમતા,કામના વગેરે તમામ દોષોની ઉત્પત્તિ થાય છે.રાગ દૂર થતાં આ બધા દોષો દૂર થઇ જાય છે.પદાર્થોને પોતાના અને પોતાને માટેના નહી માનીને બીજાઓના અને બીજાઓને માટેના માનીને તે પદાર્થો દ્વારા અન્યની સેવા કરવાથી રાગ દૂર થાય છે કારણ કે વાસ્તવમાં પદાર્થ અને ક્રિયા સાથે આપણો સબંધ છે જ નહી.
પોતાનું કોઇ પ્રયોજન ન રહેવા છતાં પણ ભગવાન ફક્ત આપણા કલ્યાણના માટે જ અવતાર લે છે કારણ કે તેઓ પ્રાણીમાત્રના પરમ સુહ્રદ છે અને તેમની તમામ ક્રિયાઓ માત્ર જીવોના કલ્યાણના માટે જ થાય છે.આ રીતે ભગવાનની પરમ મિત્રતા ઉપર દ્રઢ વિશ્વાસ થવાથી ભગવાનમાં આકર્ષણ થઇ જાય છે. ભગવાનમાં આકર્ષણ થવાથી સંસારનું આકર્ષણ(રાગ) આપમેળે દૂર થઇ જાય છે.જ્યારે મનુષ્યની પરમાત્મામાં લગની લાગી જાય છે ત્યારે તેને માટે સંસારના રૂપિયા અને બધા પદાર્થો આકર્ષક ન રહીને ફીકા પડી જાય છે,તેનું સંસારમાં આકર્ષણ કે રાગ દૂર થઇ જાય છે.રાગ દૂર થતાં ભય અને ક્રોધ-બંન્ને દૂર થઇ જાય છે કેમકે એ બંન્ને રાગને જ આશ્રિત છે.
‘મન્મયાઃ’ ભગવાનના જન્મ અને કર્મની દિવ્યતાને તત્વથી જાણવાથી મનુષ્યોની ભગવાનમાં પ્રીતિ થઇ જાય છે.પ્રીતિ થવાથી તેઓ ભગવાનને શરણે થઇ જાય છે અને શરણે થવાથી તેઓ આપમેળે ‘મન્મયાઃ’ એટલે કે ભગવાનમય બની જાય છે.જે મારામય એટલે સંપૂર્ણ પ્રભુમય જીવન જીવનારા છે. જીવનનાં ચાર મહત્વનાં રૂપ છેઃવાસનામય, સ્વાર્થમય,પ્રેમમય અને પ્રભુમય.વાસના કુદરતી વૃત્તિ છે,પણ તે પુરા જીવન ઉપર છવાઇ જાય છે ત્યારે જીવન વાસનામય થઇ જાય છે.વાસનાને જેમ જેમ ભોગવો તેમ તેમ તેનું કલેવર મોટું થતું જાય છે.
સાંસારીક ભોગોમાં આકર્ષણવાળા મનુષ્યો ભોગોની કામનાઓમાં તન્મય બની જાય છે.તેઓ પ્રતિક્ષણ ભગવાનમાં જ તલ્લીન રહે છે.તેમના વિચારો,આચરણો વગેરેમાં ભગવાનનું જ પ્રાધાન્ય રહે છે. પ્રેમની અધિકતાના કારણે તેઓ ભગવત્સ્વરૂપ બની જાય છે.
ઉપાશ્રિતા એટલે સમીપમાં આવીને સ્થિર થવું.જે ‘મન્મય’ છે તે ‘ઉપાશ્રિત’ પણ છે.અહીથી શરીરથી સ્થિર થવાનું નથી પણ મનથી,ધારણાથી સ્થિર થવાનું છે.મારૂં ઘર પ્રભુ છે આવી દ્રઢ ધારણા થાય તેને ‘મામુપાશ્રિતાઃ’ કહ્યા છે.
કોઇને કોઇનો આશ્રય લીધા વિના મનુષ્ય રહી શકતો જ નથી.ભગવાનનો અંશ જીવ ભગવાનથી વિમુખ બનીને બીજાનો આશ્રય લે છે તો એ આશ્રય ટકતો નથી પરંતુ દૂર થતો જાય છે.ધન વગેરે નાશવાન પદાર્થોનો આશ્રય પતન કરવાવાળો છે.એટલું જ નહી શુભકર્મો કરવામાં બુદ્ધિનો,ભગવત્પ્રાપ્તિનાં સાધનોનો તથા ભોગ અને સંગ્રહના ત્યાગનો આશ્રય લેવાથી પણ ભગવત્પ્રાપ્તિમાં વિલંબ લાગે છે.જ્યાં સુધી મનુષ્ય પોતે સ્વરૂપથી ભગવાનનો આશ્રિત બની જતો નથી ત્યાં સુધી તેની પરાધિનતા દૂર થતી નથી અને તે દુઃખ પામતો રહે છે.
‘બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ’ જો કે જ્ઞાનયોગથી પણ મનુષ્ય પવિત્ર થઇ શકે છે,તો પણ અહી ભગવાનના જન્મ અને કર્મની દિવ્યતાને તત્વથી જાણવાને ‘જ્ઞાન’ કહેવામાં આવ્યું છે.આ જ્ઞાનથી મનુષ્ય પવિત્ર બની જાય છે કેમકે ભગવાન પવિત્રો પણ પવિત્ર છે.ભગવાનનો જ અંશ હોવાથી જીવમાં પણ આપમેળે સ્વાભાવિક પવિત્રતા છે.‘ચેતન અમલ સહજ સુખ રાશિ.’ નાશવાન પદાર્થોને મહત્વ આપવાથી,તેમને પોતાના માનવાથી જ એ અપવિત્ર બને છે કેમકે નાશવાન પદાર્થોની મમતા મળ-અપવિત્રતા છે.ભગવાનના જન્મ-કર્મના તત્વને જાણવાથી જ્યારે નાશવાન પદાર્થોનું આકર્ષણ અને તે પ્રત્યેની મમતા સર્વથા દૂર થઇ જાય છે ત્યારે સઘળી મલિનતા નષ્ટ થઇ જાય છે અને મનુષ્ય પરમ પવિત્ર બની જાય છે.
તપના ચાર પ્રકાર છેઃકર્મતપ,યોગતપ,દેહતપ અને જ્ઞાનતપ. કર્તવ્યકર્મો ગમે કે ના ગમે,આરામની પરવા કર્યા વિના કરતા રહેવું તે કર્મતપ છે.આસન-પ્રાણાયામ વગેરે દ્વારા જે ક્રિયાઓ કરવામાં આવે તે તપ છે,જે યોગ્યતા વધારે તેને યોગ કહેવાય.વ્રત-ઉપવાસ,નિયમો વગેરે દ્વારા શરીરને ભોગવંચિત કરવું તે દેહતપ છે.શરીર અને ઇન્દ્રિયો સતત ભોગોની અપેક્ષા કરે છે.તેમની અપેક્ષાઓ મર્યાદા બહાર નીકળી જતી હોય છે તેથી અશાંતિ,અક્ષમતા અને રોગો પ્રાપ્ત થાય છે.જેના પરીણામે જીવન નિસ્તેજ થઇ જાય છે.આ અનિષ્ટોને રોકવા માટે વ્રત-ઉપવાસ અને નિયમો જરૂરી છે.જ્ઞાનપ્રાપ્તિના માટે સદગુરૂની પાસે જવું,કષ્ટ વેઠીને પણ જાણવું,સદગુરૂની સેવા કરવી,જ્ઞાનને સાચવવું-વધારવું આ પણ જ્ઞાનતપ છે.
નાશવાન વસ્તુઓને પોતાની અને પોતાને માટેની ન માનવી એ ‘જ્ઞાનતપ’ છે,જેનાથી મનુષ્ય પરમ પવિત્ર બની જાય છે.જેટલાં પણ તપ છે એ બધાંથી વધીને ‘જ્ઞાનતપ’ છે.આ જ્ઞાનતપથી જડ સાથે માનેલા સબંધનો સર્વથા વિચ્છેદ થઇ જાય છે.જ્યાં સુધી મનુષ્ય જડની સાથે પોતાનો સબંધ માનતો રહે છે ત્યાં સુધી બીજી તપસ્યાથી તેની એટલી પવિત્રતા થતી નથી જેટલી પવિત્રતા જ્ઞાનતપથી જડનો સબંધ વિચ્છેદ કરવાથી થાય છે.આ જ્ઞાનતપથી પવિત્ર થઇને મનુષ્ય ભગવાનના ભાવને એટલે કે સચ્ચિદાનંદ ઘન પરમાત્માતત્વને પ્રાપ્ત થઇ જાય છે.પહેલાં પણ અનેક ભક્તો જ્ઞાનતપથી પવિત્ર થઇને ભગવાનને પ્રાપ્ત થઇ ચુક્યા છે.આથી સાધકોએ વર્તમાનમાં જ જ્ઞાનતપથી પવિત્ર બનીને ભગવાનને પ્રાપ્ત કરી લેવા જોઇએ.ભગવાનને પ્રાપ્ત કરવામાં બધા સ્વતંત્ર છે કારણ કે માનવશરીર ભગવત્પ્રાપ્તિ માટે જ મળ્યું છે.
આ શ્ર્લોકમાં પવિત્ર શબ્દ બતાવવા માટે ‘પૂતા’ શબ્દ વપરાયો છે.થોડી મર્યાદા છોડીને જણાવવાનું મન થાય કે સ્ત્રીના જનન-અંગને પણ ‘પૂત’ કહેવાય છે,જેનો અર્થ પવિત્ર થાય છે.કેટલી વિચિત્ર વાત છે કે આખા શરીરમાં જે સૌથી વધુ ગંધાતું અંગ છે તેને પવિત્ર કહેવામાં આવે.! જરા વિચાર કરીએ કે..આ ગંધાતું અંગ ના હોત તો શું થાત? ના-ના ભલે આ અંગ ગંધાતું હોય પણ તે અંગ જ પવિત્ર પુરૂષોની ઉત્પત્તિનું અંગ છે.વિશ્વના બધા પવિત્ર ગણાતા પુરૂષો આ અંગમાંથી જ પ્રગટ થયા છે.જે પવિત્રોને પ્રગટાવે તેને એ અપવિત્ર કેમ હોય? સ્ત્રીના જનન-અંગને ‘ભગ’ પણ કહેવાય છે,તેથી તે ભગવતી બને છે અને તેના દ્વારા જ ઇશ્વર ભગવાન બને છે.
ભગ એટલે છ ઐશ્વર્યો પણ તે આનુષંગિક અર્થ કહેવાય.શાસ્ત્રો અનુસાર ભગવાનમાં રહેલા છ મુખ્ય દિવ્ય ગુણો કે શક્તિઓને છ ઐશ્વર્યો કહેવામાં આવે છે,જે ભગવાનનું પૂર્ણત્વ દર્શાવે છે: જ્ઞાન(સર્વજ્ઞતા)-બ્રહ્માંડની તમામ બાબતોનું જ્ઞાન, ઐશ્વર્ય(પ્રભુત્વ)-સર્વ ઉપર પ્રભુત્વ અને માલિકીભાવ, શક્તિ(સામર્થ્ય)-અશક્યને શક્ય કરવાની અદભૂત શક્તિ, બળ(પરાક્રમ)-સર્વ પ્રકારના બળમાં શ્રેષ્ઠ,અજેય સામર્થ્ય, વીર્ય(તેજ)-નિર્વિકારી રહેવાની અને સર્વને આકર્ષવાની ક્ષમતા અને તેજ(પ્રભાવ)-પ્રભાવશાળી દિવ્યતા, જેનાથી બધા પ્રભાવિત થાય..ખરો અર્થ તો ભગવાળી પત્ની હોય તેને ભગવાન કહેવાય,એટલા માટે હિન્દુ ધર્મના બધા ભગવાનો સજોડે છે,સ્ત્રી પ્રત્યે કોઇ એલર્જી નથી.સ્ત્રી પ્રત્યે ધિક્કાર,એલર્જી રાખીને એકાંકી રહેનારા શબ્દાર્થથી ભગવાન ન કહેવાય.ભગવતી શબ્દનો અર્થ માતા છે.જે પવિત્ર-મહાન બાળકોને જન્મ આપે તેને ભગવતી કહેવાય,તે જગદંબા છે.આવી જગદંબાને પોતાની જીવનસખી બનાવે,પોતાનામાં ઓતપ્રોત કરી દે તે ભગવાન કહેવાય,તેનાથી દૂર ભાગે કે દૂર ભગાડે તે શબ્દાર્થથી ભગવાન ના કહેવાય.જો દ્રષ્ટિ બદલાય તો શરીર નરકની ખાણ નથી પરંતુ પવિત્ર છે.કોઇ અંગની કશી ઘૃણા કરવાની નથી.
‘મદ્ભાવમાગતાઃ’ એટલે મારા ઇશ્વરીય ભાવને પ્રાપ્ત થયેલા,ઇશ્વરમય બનેલા. ભાવનાથી ભાવ થાય. જેની જેવી ભાવના હોય તેને તેવા ભાવ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

