Vadodara,તા,05
વડોદરા નજીક મહીસાગર ખાતે આવેલા બીચ ઉપર આજે વહેલી સવારે નાહવા માટે ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે યુવકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના યુવાનોનું એક ગ્રુપ આજે સવારે વડોદરા તાલુકાના કોટણા બીચ ખાતે મહીસાગરમાં ટ્રીપ ઉપર ગયું હતું. યુવકો નદીમાં મોજ મસ્તી કરતા હતા તે દરમિયાન અચાનક બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી હતી.
બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને ડૂબેલા બંને યુવકોની શોધખોળ કરી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરાતા વડીવાડી ફાયર બ્રિગેડના સબ ઓફિસર ગણપત ઝાલૈયા સહિતની ટીમ પણ પહોંચી ગઈ હતી.
બંને યુવકોની શોધખોળ કરતા નજીકમાંથી જ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. જેથી ભારે ગમગીની છવાઈ હતી. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. બંને યુવકોમાં દાંડિયા બજારમાં પ્રકાશ યુવક મંડળ નજીક રહેતા 22 વર્ષીય ક્રિષ્ના રાજપુત તેમજ કારેલીબાગમાં રહેતા 23 વર્ષના જય જોગલેકરનો સમાવેશ થાય છે.

