West Bengal, તા.5
પશ્ચિમ બંગાળમા ભારતીય જનતા પક્ષને પ્રચંડ બહુમતી સાથે સતા મળી છે અને હવે સરકાર રચવાની કામગીરી પણ શરુ થઈ છે તે વચ્ચે રાજયમાં નવી સરકારની શપથવિધિ તા.9 મે ના રોજ યોજાશે તેવી જાહેરાત પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ કરી છે.
જો કે મુખ્યમંત્રી પદ માટે દાવેદારો અંગે તેઓએ કોઈ સંકેત આપ્યો નથી. રાજયમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનવા માંગતા વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સૌથી આગળ છે. તેઓએ ગત ચુંટણીમાં પણ મમતા બેનરજીને પણ પરાજીત કર્યા હતા.
આ ચુંટણીમાં પણ ભવાનીપુર જેવી મમતાના ગઢ સમાન બેઠકમાં પણ દીદીને 15000થી વધુ મતે હરાવ્યા છે અને તેથી જ તેમના નામ પર ભાજપ મોવડીમંડળ પસંદગી ઉતારે તેવા સંકેત છે.
જો કે ભૂતકાળમાં અનેક રાજયોમાં ભાજપે ચર્ચીત નામ કરતા અલગ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવીને આશ્ચર્ય સર્જયુ છે પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપ તેવો પ્રયોગ નહી કરે તેવા સંકેત છે. રાજયમાં ચુંટણી પ્રભારી તરીકે કામગીરી કરનાર પક્ષના મહામંત્રી સુનિલ બંસલે જણાવ્યું કે આ અંગે હજુ કોઈ ચર્ચા થઈ નથી.
તેઓ દિલ્હી જઈ રહ્યા છે અને પક્ષનું મોવડીમંડળ બાદમાં નિર્ણય લેશે. રાજયમાં તા.7 મે ના રોજ વિધાનસભાની મુદત પુરી થઈ રહી છે તે પહેલા નવી વિધાનસભાની રચનાનું જાહેરનામુ બહાર પડશે અને બાદમાં ભાજપના ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે.
આ માટે ભાજપ કેન્દ્રીય નિરીક્ષકની નિયુક્તિ કરશે અને તે બાદ નવ તારીખે નવા મુખ્યમંત્રી શપથ લેશે. આ દિવસે રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મ જયંતી છે અને વડાપ્રધાન ખુદ શપથવિધિમાં હાજરી આપશે તે પણ નિશ્ચિત છે. શ્રી મોદીએ અગાઉ જ કહ્યું હતું કે તેઓ ભાજપ સરકારની શપથવિધિમાં હાજર રહેશે.

