Tehran,તા.5
પશ્ચિમ એશિયામાં કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે.
યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે. બીજી તરફ, ઓમાનમાં પણ રહેણાંક ઈમારત પર હુમલાના સમાચાર છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બહેરીને દેશમાં ‘નેશનલ ઈમરજન્સી’ જાહેર કરી દીધી છે.
આ હુમલાઓની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી છે. ગ્લોબલ માર્કેટમાં તેલની કિંમતોમાં 6 ટકાનો તોતિંગ વધારો થયો હતો. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાઓમાં હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને અમેરિકાના ` પ્રોજેક્ટ ફ્રીડમ’ને ‘પ્રોજેક્ટ ડેડલોક’ ગણાવ્યો છે.

