ફિલ્મનું સંગીત સચિન-જીગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ૨૨ મે, ૨૦૨૬ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે
Mumbai, તા.૧૩
અનન્યા પાંડે અને લક્ષ્યની આગામી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું ટ્રેલર ૧૧ મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને એક ટોક્સિક રિલેશનશિપની ઝલક આપે છે. વિવેક સોની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આધુનિક સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ, હાર્ટબ્રેક, ઈમોશનલ સંઘર્ષ અને માફી જેવા વિષયોને આવરી લે છે. ફિલ્મની વાર્તા અનન્યા પાંડે દ્વારા ભજવાયેલ ‘ચાંદની’ અને લક્ષ્ય દ્વારા ભજવાયેલ ‘આરવ’ના પાત્રોની આસપાસ ફરે છે.ટ્રેલરની શરૂઆત ખૂબ જ ગંભીર દ્રશ્યથી થાય છે, જેમાં આરવ ચાંદનીની માફી માંગે છે અને ચાંદની તેને પોતાનાથી દૂર ધકેલે છે. લગભગ ૩ મિનિટનું આ ટ્રેલર વર્તમાન અને ભૂતકાળના ફ્લેશબેક વચ્ચે ફરે છે, જેમાં તેમના સંબંધોની શરૂઆતની હૂંફ અને ત્યારબાદ આવતી કડવાશ જોવા મળે છે. એક દ્રશ્યમાં આરવ આક્રમક બનતો અને પછી માફી માંગતો દેખાય છે, જે તેમના સંબંધોમાં રહેલી નકારાત્મકતા તરફ ઈશારો કરે છે. આ દરમિયાન ચાંદનીનો એક સંવાદ ઘણું કહી જાય છે કે, ‘મારા માટે મારું સ્વાભિમાન સૌથી વધુ મહત્ત્વનું છે.’ આ લાઇન ફિલ્મમાં પ્રેમ અને સન્માન વચ્ચેના સંઘર્ષને સ્પષ્ટ કરે છે.૨૨ મેના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝટ્રેલરના અંતમાં આરવ ચાંદનીને કહે છે કે, ‘તું ખરેખર ચંદ્ર જેવી છે, દિવ્ય પ્રકાશ જેવી, પણ અહંકારી અને દૂર.’ આ ડાયલોગ ફિલ્મના શીર્ષકને સાર્થક કરવાની સાથે બંને વચ્ચેના ભાવનાત્મક અંતરને પણ દર્શાવે છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રા સહ-નિર્માતા છે. ફિલ્મનું સંગીત સચિન-જીગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ૨૨ મે, ૨૦૨૬ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલીવાર છે જ્યારે અનન્યા અને લક્ષ્યની જોડી મોટા પડદા પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળશે.

