New Delhi,તા.11
ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે જણાવ્યું કે કોર્ટ માટે જનતાનો વિશ્વાસ કેટલો મહત્વનો છે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે ‘જજ જનતા દ્વારા પસંદ કરવામાં આવતા નથી. તેથી તેમની વિશ્વસનીયતા અને માન્યતા માટે જનતાનો વિશ્વાસ જરૂરી છે. જનતાના વિશ્વાસથી જ કોર્ટોને પોતાનો નૈતિક અધિકાર મળે છે.’ ભૂટાનના જેએસડબલ્યુ સ્કુલ ઓફ લો માં એક કાર્યક્રમને સંબોધિત કરતાં સીજેઆઈએ આ વાત કહી છે.
સીજેઆઈએ કહ્યું, ‘લોકતાંત્રિક સિદ્ધાંતમાં જવાબદારી સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જોડાયેલી હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ સીધા પોતાના મતદાતાઓ અને માન્ય સંસ્થાઓ પ્રત્યે જવાબદાર હોય છે. કુલ મળીને તે લોકપ્રિય જનાદેશ દ્વારા પસંદ કરવામાં આવે છે. બીજી તરફ કોર્ટ અને ન્યાયાધીશ બંધારણ કે માન્ય કાયદાના જનાદેશથી પોતાની શક્તિઓ પ્રાપ્ત કરે છે. ‘ન્યાય ન માત્ર કરવો જોઈએ પરંતુ ન્યાય થતો નજર પણ આવવો જોઈએ. કોર્ટની પ્રક્રિયામાં ફસાયેલા લોકોની તુલનામાં પરિણામો દુર્લભ હોય છે. તેથી ન માત્ર બંધારણીય પરિણામ પરંતુ બંધારણીય યાત્રાઓ પણ મહત્વની છે. ઓપન કોર્ટ સુલભ કોર્ટ મિશનનો મહત્વપૂર્ણ ભાગ છે. ટેકનોલોજી અને સરળ પ્રક્રિયાઓ આ યાત્રાની ચાવી હશે.’
સીજેઆઈ ચંદ્રચૂડે જનતાના વિશ્વાસ મુદ્દે જણાવતાં કહ્યું કે ‘જજો માટે જનતાનો વિશ્વાસ મહત્વપૂર્ણ છે કેમ કે આપણે પોતાના નાગરિકોના દૈનિક જીવનની સમસ્યાઓથી ઉકેલ મેળવીએ છીએ. તે વિશ્વાસને પૂરો કરવા માટે આપણે તેમના બૂટમાં પગ રાખીને ચાલવું જોઈએ. તેમની વાસ્તવિકતાઓને સમજવી જોઈએ અને તેમના અસ્તિત્વમાં સમાધાન શોધવું જોઈએ. કાયદાકીય પ્રક્રિયાઓની પીડાથી ઉભર્યા બાદ ભારતમાં કોર્ટો જાહેર ધારણાના મામલે તાત્કાલિક મુક્ત થઈ નથી. ભારતીય બંધારણે સ્વતંત્રતા અને સાર્વભૌમ સંસ્થાઓના એક નવા યુગની શરૂઆત કરી, પરંતુ આ પરિવર્તન આપણી કાયદાકીય પ્રક્રિયાઓ અને પ્રથાઓમાં તાત્કાલિક પ્રતિબિંબિત થયુ નથી.
સ્વતંત્રતા-પૂર્વ બ્રિટિશ કોર્ટના ભારતીય જજ રાતોરાત સ્વતંત્ર ભારતના હાઈકોર્ટના જજ બની ગયા. આપણા આધુનિક કોર્ટોમાં વિભિન્ન પ્રક્રિયાઓ સ્વતંત્રતા-પૂર્વ પ્રક્રિયાઓથી મળતી આવે છે. સ્વતંત્રતા બાદ ભલે લોકોને હવે નવા બંધારણ હેઠળ કાયદેસર ઘણા અધિકારો મળી ગયા હતા પરંતુ આ કાયદેસર પરિવર્તનનો અહેસાસ જમીન પર મુશ્કેલથી જ થતો હતો.