Vadodara ,તા,18
Vadodara એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. એરપોર્ટ પર ઊભેલી ફ્લાઇટમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં એર કન્ડિશનર (AC) અને લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે ફ્લાઇટની અંદર અંધારપટ છવાઈ જતાં મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા.
25 મિનિટ સુધી બંધ કેબિનમાં ફસાયા મુસાફરો
મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E657 માં આ ગંભીર ઘટના ઘટી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે 08.50 વાગ્યાથી લઈને 09.15 વાગ્યા સુધી (આશરે 25 મિનિટ) અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમી અને બફારાના કારણે વ્યાકુળ બનેલા મુસાફરો પોતાના હાથમાં રહેલા પૂંઠા, ઓફિસ ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા. આ સમગ્ર વિકટ પરિસ્થિતિનો લાઈવ વીડિયો એક મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.ફ્લાઇટમાં પાવર ગુલ થવાની ઘટના બનતાની સાથે જ એરલાઇન્સના ટેકનિશિયનોની ટીમ તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ હતી. યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરી બાદ આશરે 25 મિનિટમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટમાં ફરીથી લાઈટો અને એસી શરૂ થતાં જ ગૂંગળામણ અનુભવી રહેલા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો અને ત્યારબાદ આ ફ્લાઇટ દિલ્હી જવા સુરક્ષિત રીતે રવાના થઈ હતી.

