Ahmedabad,તા.૨૭
પીએમ મોદીએ જ્યારથી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને Melody ચોકલેટ આપી છે અને તેનો વીડિયો શેર કર્યો છે ત્યારથી Melody ચોકલેટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હાલ ઘણી જ ચર્ચામાં આવેલી ચોકલેટ ’Melody’ની ડુપ્લિકેટ પ્રોડક્ટ ’માય ડેડી’ના વિવાદમાં કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. જાણીતી કંપની ’પારલે’ની બ્રાન્ડ ’Melody’ના પેકિંગ અને દેખાવની નકલ કરીને અમદાવાદની બાપુજી ફૂડ્સની ફેક્ટરીની ’માય ડેડી’ નામની ચોકલેટ બજારમાં આવી હતી. જે બાદ પારલે કંપનીએ ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ કાયદાકીય પગલાં ભર્યા હતા. કોર્ટે ગ્રાહકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે નકલી ચોકલેટ ’માય ડેડી’ના પ્રોડક્શન અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે આ સાથે કોર્ટમાં લેખિત જવાબ આપવાનું જણાવ્યું છે.
ડિસ્ટ્રીક્ટ ન્યાયાધીશ દિપાલી શર્માએ તાજેતરમાં એક પક્ષીય મનાઈ હુકમ આપ્યો હતો, જેમાં પ્રતિવાદીઓને માયડેડીના ઉત્પાદન પર રોક લગાવી દીધી છે. આ ટોફી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક મેલોડી સાથે ભ્રામક રીતે મળતી આવતી હોવાનો આરોપ હતો. આ ફરિયાદ અનુસાર, ૧૯૨૯માં મોહનલાલ દયાળ ચૌહાણ દ્વારા સ્થાપિત “હાઉસ ઓફ પાર્લે”ના વારસદારો, પાર્લે પ્રોડક્ટ્સ લિમિટેડ અને પાર્લે બિસ્કિટ લિમિટેડ, એ આરોપ લગાવ્યો હતો કે, પ્રતિવાદી મેસર્સ બાપુજી ફૂડ્સ પ્રોડક્ટ્સે મેલોડી જેવું જ માયડેડી ટ્રેડમાર્ક અપનાવ્યું હતું. જેમાં મેલોડી જેવું જ પેકિંગ હતું. અરજીમાં જણાવાયું છે કે, વાદીઓએ અનુક્રમે ૧૯૭૩, ૧૯૮૩ અને ૧૯૮૮માં મેલોડી અને માયડેડી ટ્રેડમાર્ક લીધું હતું, જ્યારે પ્રતિવાદીઓએ ફક્ત જુલાઈ ૨૦૧૯થી ઉપયોગનો દાવો કર્યો હતો.
કોર્ટે આ બંનેની સરખામણી જોયા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ પારલેના પક્ષને મજબૂત માન્યો હતો. કોર્ટે બાપુજી ફૂડ પ્રોડક્ટ્સ તેમના ભાગીદારો, ડીલર્સ અને એજન્ટો વગેરેને માયડેડી નામ અથવા તેના જેવા જ ભ્રમિત કરનારા ટ્રેડમાર્ક પેકેજિંગ હેઠળ માલનું ઉત્પાદન કરવા, માર્કેટિંગ કરવા, વેચવા કે જાહેરાત કરવા પર આગામી આદેશ સુધી તત્કાલ પ્રતિબંધ લાદી દીધો છે. આ સાથે કોર્ટે બાપુજી પ્રોડક્ટ્સને તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા અથવા એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ આ વિવાદિત પ્રોડક્ટ્સના લિસ્ટિંગ તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. પુરાવા નષ્ટ ન થાય તે માટે અદાલતે એડવોકેટ મેઘા પરાશરને લોકલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અમદાવાદ ખાતે આવેલી બાપુજી ફૂડ્સની ફેક્ટરીની મુલાકાત લેશે. લોકલ કમિશનરને વિવાદિત નકલવાળો તમામ સામાન, હિસાબી ચોપડા, ઇન્વોઇસ વગેરે જપ્ત કરવાની અને તેની યાદી બનાવવાની સત્તા આપવામાં આવી છે. જરૂર પડ્યે તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ લઈ શકશે. આ સમગ્ર પ્રક્રિયાનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવાનું રહેશે. તો બીજી બાજુ બાપુજી ફૂડ્સને સમન્સ આપ્યાના કે મળ્યાના ૩૦ દિવસમાં પોતાનો લેખિત જવાબ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

