કોકેઇનનો જથ્થો નાની બોટ મારફતે કિનારે પહોંચાડી દિલ્હીના બે પેડલરને પહોંચાડવાનો હતો
Ahmedabad, તા.૨૮
બ્રાઝિલથી નીકળેલું જહાજ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને પાકિસ્તાન થઈ મુન્દ્રા પહોંચ્યું હતુંનવગુજરાત સમય, દુનિયાભરના ડ્રગ માફિયાઓ ડ્રગ સપ્લાય માટે ગુજરાતની જળસીમાનો દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે મુન્દ્રા પોર્ટ નજીક દરિયામાં આઉટર એન્કરેજમાંથી એક જહાજ પર દરોડો પાડી રૂપિયા ૧૧૯૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭૭ કિલો કોકેઇન ઝડપી લીધું હતું. બ્રાઝિલથી ‘યુરોપ’ નામના જહાજમાં આ કોકેઇન લોડ કરવામાં આવ્યું હતું અને જહાજ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને પાકિસ્તાન થઈને મુન્દ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમાં પહોંચ્યું હતું. આ જહાજ પરથી કોકેઇનના જથ્થા સાથે એક વિદેશી નાગરિકને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે તેનો સાથીદાર પોલીસથી બચવા દરિયામાં કૂદી ગયો છે. પોલીસે દરોડો પાડતાં આ પેડલરોએ કોકેઇનના થેલા દરિયામાં ફેંકી દીધા હતા. કોસ્ટ ગાર્ડની ટીમે તે બહાર કાઢ્યા હતા. પોલીસે આ હેરોઇનની ડિલિવરી લેવા આવનારા દિલ્હીના બે પેડલરો કેલ્વિન ચુકવામા તથા બ્યારૂહાંગા જેમ્સને પણ ઝડપી લીધા છે, જેઓ નાઇજિરિયા અને યુગાન્ડાના છે.ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ તથા કચ્છ ભૂજ એસઓજી અને મરીન પોલીસના સંયુક્ત અને રાજ્યના સૌથી મોટા ડ્રગ્સ ઝડપવાના ઓપરેશનની વિગતો એવી છે કે, એટીએસના શંકર ચૌધરી અને હર્ષ ઉપાધ્યાયની ટીમના જે.એમ. પટેલને બાતમી મળી હતી કે બ્રાઝિલથી નીકળેલા ‘યુરોપ’ નામના કાર્ગો જહાજમાં બે ક્રૂ મેમ્બર એન્ગિનગીટ નાસોરો જુમાને અને જુમા નાસીર ઓમરે છ થેલા ભરીને કરોડો રૂપિયાનું કોકેઇન લઈને મુન્દ્રા પોર્ટ પર આવી રહ્યા છે. તેઓ નાની હોડી મારફતે આ ડ્રગ્સ કિનારે પહોંચાડીને દિલ્હીના બે પેડલર કેલ્વિન ચુકવામા તથા બ્યારૂહાંગા જેમ્સને પહોંચાડવાના હતા. બાતમી પાક્કી થતાં એટીએસની ટીમો મુન્દ્રા પહોંચી ગઈ. કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક એજન્સીઓની મદદથી કાર્યવાહી શરૂ કરવામાં આવી.તપાસ કરતાં એવી વિગતો મળી કે ‘યુરોપ’ નામનું જહાજ આઉટર એન્કરેજમાં પહોંચી ગયું હતું અને તેમાંથી સામાન પણ લોડ થવા લાગ્યો હતો. તરત જ બધી એજન્સીઓની ટીમો કાર્ગો શીપ પર ત્રાટકી. પોલીસને જોતાં જ આ પેડલરોએ કોકેઇનના થેલા દરિયામાં ફેંકી દીધા હતા, જે કોસ્ટ ગાર્ડની ટીમે બહાર કાઢ્યા હતા. જ્યારે દરોડા પડતાં જ એક પેડલર દરિયામાં કૂદી ગયો હતો, જેની શોધખોળ ચાલી રહી છે.પોલીસે જુમા નાસીરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે આ કોકેઇન બ્રાઝિલથી લઈને આવ્યો છે, જેમાં તેનો એક સાથીદાર પણ હતો, જે દરિયામાં કૂદી ગયો છે. જ્યારે જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચે એટલે નાની હોડીમાં આ ડ્રગ્સ કિનારે પહોંચાડી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા બે પેડલરોને પહોંચાડવાનું હતું. એટીએસની ટીમે દિલ્હી પોલીસની મદદથી દ્વારકામાંથી પણ જેમ્સ અને કેલ્વિન નામના બન્ને પેડલરોને ઝડપી લીધા છે. હવે તેમની તપાસ ચાલી રહી છે.કાર્ગો જહાજમાં જે બે ક્રૂ મેમ્બર ડ્રગ પેડલર બનીને કોકેઇન લાવ્યા હતા, તે બન્ને તાન્ઝાનિયાના છે. તપાસમાં જહાજ પરથી પકડાયેલા ક્રૂ મેમ્બરે એવી કબૂલાત કરી હતી કે તેણે નવેમ્બર ૨૦૨૫માં આ કોકેઇનનો જથ્થો વહાણમાં છૂપાવી દીધો હતો અને મુન્દ્રા પહોંચ્યા બાદ તેના હેન્ડલરના કહેવા મુજબ આ માલ પહોંચાડવાનો હતો.જહાજ પર તપાસ કરતાં કોમ્યુનિકેશન માટે બે સેટેલાઇટ કોમ્યુનિકેટર સેટ પણ મળી આવ્યા છે. હવે તેની પણ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.

