New Delhi તા.3
પાટનગર દિલ્હીના માલવીયનગરમાં હોજ રાની સ્થિત એક રેસ્ટોરામાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 21 લોકોના મૃત્યુ થયા છે અને 18થી વધુ ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.
લેમન ગ્રીન રેસ્ટોરામાં આજે સવારે 8.50 મીનીટે ભયાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણ અંગે હજુ જાહેર થયુ નથી. પરંતુ માનવામાં આવે છે કે રેસ્ટોરાના રસોડામાં આગના લબકારા પહેલા દેખાયા હતા અને થોડી જ મીનીટોમાં રેસ્ટોરાના બેઝમેન્ટમાં જયાં સવારના નાસ્તો કરવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા ત્યાં પણ આગ પ્રસરી ગઈ હતી અને માનવામાં આવે છે કે ધુમાડાના કારણે આગમાંથી બહાર નીકળવાનું લોકો માટે મુશ્કેલ બની ગયુ હતું.
જેમાં અંતે 20 લોકોના ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહો બહાર કઢાયા હતા અને અન્ય 18થી વધુ લોકોને પણ બચાવવામાં સફળતા મળી હતી પરંતુ તેમાં મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું બહાર આવ્યું છે. બહુમાળી ઈમારતના બેઝમેન્ટમાં લાગેલી આ આગ બુઝાવતા પણ ફાયરબ્રિગેડને જહેમત ઉઠાવવી પડી હતી.
આ ઈમારત ફલોરીસ્ટ ઈન હોટેલ તરીકે ઓળખાય છે અને તેમાં મોટાભાગે વિદેશી નાગરિકો ઉતરતા હોય છે. પાંચ માળથી ઈમારતમાં 40 લોકો તે સમયે હાજર હતા. તે નોંધાયુ છે.
હોટેલના રેસ્ટોરામાં કામ કરતા વ્યક્તિએ જણાવ્યુ કે ઈલેકટ્રીક ચુલામાંથી આગ શરુ થઈ હતી અને તે આગળ વધી હતી. તેમાં લોકો સપડાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ માટે લોકોને બચાવવાનું મુશ્કેલ બની ગયુ હોવાનું બહાર આવ્યુ છે. આ ઘટના અંગે વધુ માહિતીઓ આવી રહી છે.

