પોલીસ ટીમે ત્રણ દિવસની રઝળપાટ બાદ રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો, વધુ ત્રણ આરોપીઓ સુધી પહોંચવા પોલીસ તપાસ તેજ
(નયના દવે દ્વારા) Jamnagar તા.૮
શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી રૂ. ૨૫.૮૬ લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર ગેંગના એક મહત્વના આરોપીને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને જામનગર લાવી અદાલતમાં રજૂ કરવામાં આવતા પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં અદાલતે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ. એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ફરિયાદ મુજબ જામનગરના એક નાગરિકનો ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી શેર માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૨૫,૮૬,૦૦૦ ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. કે. ઝાલા, એ.એસ.આઈ. ભગીરથસિંહ એ. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ એચ. બસિયા, જીતેન્દ્રસિંહ કે. જાડેજા સહિતની ટીમે ટેકિન્કલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો હતો. સતત ત્રણ દિવસ સુધી રાજસ્થાનમાં રહી તપાસ ચલાવ્યા બાદ આરોપી રવી રોશનલાલ વર્ટીચંદજી જાટ (ઉ.વ. ૨૭), રહે. સંસેર ગામ, તાલુકો રેલમંગરા, જિલ્લો રાજસમંદ (રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપીના બેંક ખાતામાં છેતરપિંડીની રકમમાંથી અંદાજે રૂ. ૧૦ લાખ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ખાતામાં આવેલી રકમ ઉપાડી તેના મામા ના દીકરાને આપી દીધી હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલ આરોપી અગાઉ રાજસ્થાનના અજમેર ખાતે એક કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો હતો અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. જેલમાંથી મુક્ત થયા બાદ તેની હિલચાલ અંગે માહિતી મળતા જામનગર સાયબર ક્રાઈમની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં હજુ આ ગેંગના અન્ય ત્રણથી વધુ શખ્સોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોના તાર રાજસ્થાન સુધી જોડાતા હોવાનું પણ સામે આવ્યું છે. જેના આધારે પોલીસ ફરીથી રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તપાસનો વ્યાપ વધારી રહી છે.સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછમાંથી વધુ મહત્વની માહિતી મળવાની શક્યતા છે અને આગામી દિવસોમાં આ ગેંગના અન્ય સભ્યોની પણ ધરપકડ થઈ શકે છે.સાયબર ક્રાઈમ જામનગર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા મારફતે મળતી રોકાણ અને વધુ નફાની લાલચ આપતી ઓફરોથી સાવચેત રહેવા તેમજ કોઈપણ અજાણ્યા ખાતામાં નાણાં ટ્રાન્સફર ન કરવા અપીલ કરવામાં આવી છે.
Trending
- Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
- Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
- Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
- Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
- Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
- Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
- Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

