Trump તંત્રએ અત્યાર સુધીમાં કુલ 90 અબજ ડોલરના દાવા સ્વીકાર્યા
ટ્રમ્પના ટેરિફ સામે ચાર હજાર આયાતકારોએ કેસ કર્યો હોવાથી તંત્ર તેટલાને જ રકમ ચૂકવી છટકી જવા માંગતું હતું
ટ્રમ્પ તંત્રએ કુલ 166 અબજ પરત કરવાના છે, ફક્ત કેસ કરનારાઓને જ રકમ આપે તો 11 અબજ ડોલર જ ચૂકવવાના થાય
American,તા.11
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્ર અને કોર્ટને જાણે 36નો આંકડો ચાલી રહ્યો હોય તેમ લાગે છે. કોર્ટના એક પછી એક ચુકાદા ટ્રમ્પના તંત્ર વિરુદ્ધ આવી રહ્યા છે. આવા વધુ એક ચુકાદામાં કોર્ટે ટ્રમ્પ તંત્રની તે દલીલ ફગાવી દીધી છે કે સુપ્રીમ કોર્ટે ટેરિફ પેટે ઉઘરાવેલી રકમ પરત કરવાના કેસમાં તેઓ તેમની સામે કેસ કરનારા 4000 આયાતકારોને જ રકમ ચૂકવશે. ટ્રમ્પ તંત્રએ ટેરિફ પેટે ઉઘરાવેલી રકમ ફક્ત તેમની સામે કેસ કરનારાઓને જ નહીં પણ જે બધાએ ટેરિફ ચૂકવ્યો છે તે બધાને ચૂકવવાની છે, જે 166 અબજ ડોલર થાય છે.
ફેડરલ જજ રિચાર્ડ ઇટોને ટ્રમ્પ તંત્રને બરોબર ખંખેરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ્યારથી ટેરિફ રદ કરવામાં આવ્યા ત્યારથી 80 દિવસમાં બધાને ચૂકવણી કરી દેવાની છે. તેનું કારણ એ હતું કે ટ્રમ્પ તંત્રએ આમ તો 166 અબજ ડોલર ચૂકવવાના છે, પરંતુ જો તે ટેરિફ સામે કેસ કરનારા ચાર હજાર આયાતકારોને જ રકમ ચૂકવે તો માંડ 11 અબજ ડોલર જ ચૂકવવાના આવે.
હવે ટ્રમ્પ તંત્રએ તેનું અર્થઘટન અહીં એવું કર્યુ હતું કે 80 દિવસ સુધીમાં જેટલાને ચૂકવણી થશે તેટલાને કરીશું, તેમા જે બાકી રહી ગયા તેને નહી કરાય.
આની સામે પણ ફેડરલ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે અને સોઈ ઝાટકીને જણાવ્યું છે કે બધી જ ચૂકવણી 80 દિવસમાં કરવાની છે અને જેટલા પાસેથી ટેરિફ વસૂલ્યો છે તે બધાને કરવાની છે. આ મુદ્દો આગામી દિવસોમાં વિવાદાસ્પદ બની શકે છે. ટ્રમ્પ તંત્ર આયાતકારો સિવાયનાઓને રકમ ચૂકવવાના ફેડરલ જજના આદેશને યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકારવાની તૈયારી કરી રહ્યું છે. આમ સંભવતઃ બીજા શબ્દોમાં તે કદાચ કોર્ટના વધુ એક ફટકાની તૈયારી કરી રહ્યું છે.
હાલમાં ટ્રમ્પ તંત્રએ કુલ 90 અબજ ડોલરના ક્લેમ્સ અત્યાર સુધીમાં સ્વીકાર્યા છે અને તેમાથી ૨૩ અબજ ડોલર રિફંડ પેટે આપવાના આદેશ પણ આ કામ કરતી એજન્સીએ ટ્રેઝરી વિભાગને આપી દીધા છે.
એજન્સીએ ઓનલાઇન સિસ્ટમ 20 એપ્રિલથી શરૂ કરી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે તે પહેલા એવા આયાતકારોની અરજીઓ હાથ પર લેશે જેના ટેક્સ બિલ્સ હજી બન્યા નથી. આ સિવાય આ અરજીઓના નિવારણની ઝડપ અને તેની પ્રક્રિયા પણ વિવાદનો વિષય બની ગઈ છે. જજે તેના માટે રોડની સ્કોટને એજન્સીની ટાઇમલાઇન અંગે ચર્ચા કરવા હાજર થવા જણાવ્યું હતું, જેથી સુપ્રીમના આદેશનું પાલન કરી શકાય.
ટ્રમ્પ તંત્રએ અહીં તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે સ્કોટના બદલે તેના ડેપ્યુટીઓમાં એક આવશે. જ્યારે જજ ઇટોને સીધા એજન્સીના હેડની સાથે વાત કરીને સુનાવણી કરવા પર ભાર મૂક્યો હતો. આ અગાઉ ફેડરલ કોર્ટ સ્કોટને કોર્ટમાં હાજરી આપવાને લઈને કામચલાઉ ધોરણે રાહત આપવા તૈયાર થઈ હતી. આ બતાવે છે કે દરેક પ્રક્રિયાને લઈને ફડેરલ કોર્ટ અને ટ્રમ્પ તંત્ર વચ્ચે સતત તણખા ઝરી રહ્યા છે.
ફેડરલ જજે કસ્ટમ્સ એન્ડ બોર્ડર ડિપાર્ટમેન્ટ (સીબીપી)ની રીતસરની ઉલટતપાસ લીધી હતી. તેમણે સીબીપી પાસેથી સરકાર લોકોને નાણા કઈ રીતે પરત આપી રહી છે અને તેની તલસ્પર્શી વિગતો માંગી હતી. કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના જજે જણાવ્યું હતું કે સીબીપીએ રિફંડ ક્લેમ્સની બનાવેલી ઓનલાઇન પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરી રહી છે. તેમણે સરકાર રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર અહીં જે કાયદાકીય વલણ અપનાવી રહી છે તે સરકારના જ શ્રેષ્ઠ હિતમાં નથી. ઇટોને માર્ચમાં સીબીપીને આદેશ આપ્યો હતો કે તે એવી સિસ્ટમ બનાવે જેમા બધા આયાતકારોનો રેકોર્ડ હોય, તેમને પરત કરવામાં આવનારી રકમની વિગત હોય. જો કે તેમણે એજન્સીને આ સિસ્ટમ તબક્કાવાર ધોરણે અમલમાં મૂકવા જણાવ્યું હતું, જેથી તેના માટે જરૂરી ટેકનોલોજી વિકસાવી શકાય.

