Iran,તા.11
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકન સેના દ્વારા ટૉમહૉક ક્રૂઝ મિસાઇલોના પ્રહાર બાદ, ઈરાને પણ અમેરિકા સામે આરપારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યો છે. પશ્ચિમ એશિયા (Middle East) માં યુદ્ધની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડા (Fifth Fleet) ના હેડક્વાર્ટરને નિશાન બનાવીને ‘શાહિદ-136’ વિનાશક આત્મઘાતી ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઈરાને ફરી એકવાર બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને હચમચાવી નાખ્યા હતા. , IRGC ની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબક્કામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ હુમલામાં અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જાબેર એર બેઝ અને શેખ ઇસા એર બેઝ પર આવેલા અંદાજે 18 જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત, બહેરીનમાં અમેરિકન સેનાની કમ્યુનિકેશન સિસ્ટમ અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનને પણ નિશાન બનાવાયા છે, જેના કારણે સમગ્ર બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. જૉર્ડને પણ પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે.સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ગંભીર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તમામ પક્ષોને તાત્કાલિક રાજદ્વારી કરાર તરફ વળવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે આ યુદ્ધની અસરો સમગ્ર વિશ્વને ભોગવવી પડશે.

