Surat,તા.૧૧
શહેરના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈને સર્જાયેલા વિવાદમાં હવે Surat મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર પક્ષ રજૂ કર્યો છે. મનપાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે મીડિયા સામે આવીને આ ઘટનાને ’ભૂતિયા ડિમોલિશન’ ગણાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે પાલિકાની ટીમે જે પણ કામગીરી કરી છે તે સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગાઉથી પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના ૧૪ દિવસ બાદ ખુદ અધિકારીએ મૌન તોડ્યું છે.
આશિષ નાયકે જણાવ્યું કે, “ગત તારીખ ૩૦/૦૫/૨૦૨૬ના રોજ મનપાની ટીમ માત્ર ડિમાર્કેશન (હદ નક્કી કરવા) એટલે કે, રોડ ખુલ્લો કરવા માટે નાસિરનગર ખાતે ગઈ હતી. જે સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓ અને નિયમો પ્રમાણે જ થયું છે. Surat મહાનગર પાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. આ કાર્યવાહીમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે અમે અગાઉથી પોલીસ તંત્રને જાણ કરી હતી અને સહયોગ પણ પ્રાપ્ત કર્યો હતો. આ કોઈ ’ભૂતિયા ડિમોલિશન’ નથી. આ અંગે તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જેમાં અમે સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, “કેટલાક લોકો રાજકીય લાભ મેળવવાના હેતુથી આ મુદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા તેમજ વિવિધ માધ્યમો દ્વારા ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે, સુરત મહાનગરપાલિકા અને તેના અધિકારીઓ વિશે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પર અનાવશ્યક માનસિક દબાણ સર્જાઈ રહ્યું છે. સત્તાવાર તપાસના પરિણામોની રાહ જોવા અપીલ આશિષ નાયકે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અપ્રમાણિત અને અફવાઓ આધારિત માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર અહેવાલની રાહ જુએ.”
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને મ્યુનિ. કોર્પો.ની જાણ બહાર મેગા ડિમોલિશનની કાર્યવાહી કોણે કરી? તેની સંપૂર્ણ તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટી રચવાની માગ કરી હતી. સાથોસાથ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં ડો. ચૌધરીએ જણાવ્યું છે કે, ધોળા દિવસે જેસીબી ચલાવવાની હિંમત કોણે કરી? આ તોડફોડ વખતે મનપા અને પોલીસ કોના કહેવાથી હાજર હતી? મનપાની જાણ બહાર બારોબાર આવી કામગીરી થાય તે બાબત ગળે ઉતરે તેવી નથી. તેમની જાણ મુજબ, સેતુબંધ રિયલ્ટી કંપની દ્વારા આ જમીન પારસી માલિક ગુલબેન પાલિયા પાસેથી ખરીદાઈ હતી. આ જમીન સામે આવેલી જમીન આ જ બિલ્ડર ગ્રૂપ દ્વારા પોલીસ-ર્જીંય્ની મદદ-કોમ્બિંગ પછી ખાલી કરાવાઈ હતી અને પાલિયા બંગલોઝ પ્રોજેક્ટ વેચાયો હતો. ત્યારબાદ સામેની જમીન પર પાલિયા એલિગન્સ પ્રોજેક્ટ હેઠળ હાઈરાઈઝ બિલ્ડિંગના નવ માળનો પ્રોજેક્ટ મંજૂર થઈ રહ્યો નહોતો. તેના ઉકેલ તરીકે ખાનગી માલિકીની જમીન પરના ઝૂંપડા પર ૪૦ ફૂટનો રોડ બિલ્ડરોએ સામેથી આપી પ્લાન મંજૂર કરાવી રજાચિઠ્ઠી મેળવાઈ હતી.
આપને જણાવીએ કે, નાસિરનગરમાં ૧૦૦થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યવાહી કોણે કરી તેને લઈને મામલો ગુંચવાયો હતો. મનપાના અધિકારીઓએ અત્યાર સુધી આ મામલે જવાબદારી સ્વીકારી ન હતી. પોલીસની પણ આ મામલે ભૂમિકા શંકાસ્પદ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

