Mumbai,તા.14
ઑક્ટોબર મહિનામાં અત્યાર સુધી ડૉલર સામે ૦.૩૨ ટકાના ઘટાડા સાથે રૂપિયો તુટીને ૮૪.૦૯ના તળિયે પટકાયા બાદ, વર્તમાન ક્વાર્ટરમાં નાણાપ્રવાહને કારણે રૂપિયો હવે સ્થિર થવાની ધારણા છે અને ડિસેમ્બરના અંત સુધીમાં તે લગભગ રૂ. ૮૪ પ્રતિ ડોલરના ભાવે ટ્રેડ કરે તેવી શક્યતા છે.
અર્થશાસ્ત્રીઓના મંતવ્ય મુજબ ભારતના કિસ્સામાં ઓછામાં ઓછા બોન્ડ અને રોકડ આધારિત પ્રવાહ ચાલુ રહેશે. આ અન્ય પરિબળોને સંતુલિત કરે છે અને ચાલુ ખાતું અમારી દ્રષ્ટિએ મોટાભાગે અનુકૂળ રહે છે.
ચાલુ ખાતું જીડીપીના ૧ ટકાથી ઓછું છે. અંદાજ જીડીપીના ૦.૮ ટકા સુધીનો છે. આવી સ્થિતિમાં, અમે માનીએ છીએ કે માળખાકીય દ્રષ્ટિકોણથી આ કારણો રૂપિયા માટે સકારાત્મક છે, તેમ છતાં ટૂંકા ગાળામાં કેટલાક પ્રતિકુળ પરિબળો છે.
રિઝર્વ બેંક દ્વારા સમયસર હસ્તક્ષેપ એ સુનિશ્ચિત કરે છે કે ચલણનું અવમૂલ્યન ધીમે ધીમે થાય છે. ભારતીય ચલણ શુક્રવારે ૮૪.૦૯ના તળિયે પહોંચી ગયું હતું, જે સ્તરને રિઝર્વ બેંક લગભગ બે મહિનાથી સુરક્ષિત કરી રહી છે.
ભૌગોલિક રાજકીય તણાવને કારણે રૂપિયામાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. બ્રેન્ટ ક્ડ વધીને ૭૯.૧૮ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
આ સતત બીજો સાપ્તાહિક વધારો છે. યુદ્ધ અને ઈરાનની તેલ સુવિધાઓ પર સંભવિત હુમલાને કારણે પુરવઠાના જોખમોથી આ તેજીને વેગ મળ્યો છે. બીજીતરફ, ચીનના ઉત્તેજક પગલાં અને શેરબજારોના વળતરને કારણે ભારતનો મૂડીપ્રવાહ દબાણ હેઠળ છે.
એવું લાગે છે કે બીજા અર્ધવાર્ષિક ગાળામાં બેલેન્સ ઓફ પેમેન્ટ સરપ્લસ વધશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં ઘટાડો મૂડી પ્રવાહ, એફડીઆઈને વેગ આપશે. અત્યારે પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય જોખમોને કારણે દબાણ છે.
રિઝર્વ બેંકનો હસ્તક્ષેપ પણ મદદ કરી રહ્યો છે. આપણી પાસે પર્યાપ્ત કરતાં વધુ વિદેશી મુદ્રા ભંડાર છે. ભારતમાં રેટ કટ સાઇકલ યુએસ કરતાં ધીમી રહેશે કારણ કે આપણો વિકાસ તુલનાત્મક રીતે મજબૂત છે.
આમ છતાં બજારનો એક વર્ગ માને છે કે વર્તમાન ક્વાર્ટરમાં સ્થાનિક ચલણ વધુ ઘટીને રૂ. ૮૪.૨૫ પ્રતિ ડોલર થઈ શકે છે કારણ કે આયાતકારો તરફથી ડોલરની મજબૂત માંગને કારણે રૂપિયો નબળો પડી શકે છે.
ફોરેન એક્સચેન્જ રિઝર્વ પણ હાલમાં ૭૦૦ બિલિયન ડોલરની ઉપરના રેકોર્ડ સ્તરે છે. જે વધઘટના કિસ્સામાં બફર તરીકે પણ કામ કરે છે.