Dambulla,તા.17
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય `એ’ સિરીઝની મેચ દરમિયાન મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. મેદાન પર અયોગ્ય વર્તન કરવા બદલ શ્રીલંકા ક્રિકેટ (SLC) દ્વારા નિયુક્ત મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે શ્રીલંકન ક્રિકેટર વિશેન હાલમબાગે અને સિનિયર વિકેટકીપર નિરોશન ડિકવેલા સામે અલગ-અલગ મામલામાં કડક કાર્યવાહી કરી છે.
આ સમગ્ર વિવાદ સુપર ઓવરના છેલ્લા દડા ફેંકાયા બાદ શરૂ થયો હતો. જ્યારે શ્રીલંકાના કુગાથસ માથુલને ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને છેલ્લો બોલ નાખ્યો, ત્યારે ભારત `એ’ ને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી.
માથુલને શાનદાર યોર્કર ફેંકીને વૈભવને બીટ કર્યો હતો, જેના કારણે શ્રીલંકાની જીત થઈ હતી. જીતની ખુશીમાં માથુલન અને શ્રીલંકાના અન્ય ખેલાડીઓ જશ્ન મનાવવા લાગ્યા હતા.
આ દરમિયાન શ્રીલંકાના ખેલાડી વિશેન હાલમબાગેએ ભારતીય બેટ્સમેનો વિરુદ્ધ ભારે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. હાલમબાગેની આ હરકતને કારણે ભારતની 15 વર્ષીય યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી સાથે મેદાન પર જ લગભગ હાથાપાઈની નોબત આવી ગઈ હતી.
તીખી ચર્ચા દરમિયાન હાલમબાગે વૈભવની ખૂબ નજીક આવી જતાં, વૈભવે તેને ધક્કો મારવો પડ્યો હતો. મેદાનમાંથી બહાર જતી વખતે પણ વૈભવનો ગુસ્સો શાંત થયો ન હતો.
બીજી તરફ, શ્રીલંકાના સિનિયર વિકેટકીપર નિરોશન ડિકવેલા સામે મેચ દરમિયાન જરૂરિયાત કરતાં વધુ અપીલ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, રાહતની વાત એ રહી કે જ્યારે વૈભવ સૂર્યવંશી અને હાલમબાગે વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો હતો, ત્યારે ડિકવેલાએ જ વચ્ચે પડીને મામલાને વધુ બગડતો અટકાવ્યો હતો.

