પાક. હેન્ડલર ભટ્ટી અને અજમલની ગેંગ ઝડપાઇ
પાક. ડ્રોનથી હથિયારો અને ડ્રગ્સને પંજાબમાં ઘૂસાડતું હતું જ્યાંથી આ ગેંગ દિલ્હી આસપાસ તેને પહોંચાડતી હતી
આરોપીઓ દિલ્હી, ગાઝિયાબાદ આસપાસના મહત્વના સ્થળે રેકી કરી રહ્યા હતા, મોટું કાવતરુ ઘડી રહ્યાનો દાવો
New Delhi,તા.17
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાન સમર્થિત મોટા આતંકી અને ગુનાઈત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં આ મામલામાં પોલીસ દ્વારા સાત આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાનમાં સક્રિય આતંકી અને ગેંગસ્ટર શાહઝાદ ભટ્ટી અને તેના સાથી અજમલ ગુજ્જરના ઇશારે કામ કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું છે કે આ ગેંગ પાકિસ્તાનથી ગેરકાયદે હથિયારો અને નશીલા પદાર્થોને ભારતમાં ઘૂસાડવાનું કામ કરી રહી હતી, પંજાબના રસ્તેથી આ તસ્કરી થઇ રહી હતી. પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડેલા નશીલા પદાર્થોને બાદમાં દિલ્હી એનસીઆર સુધી પહોંચાડવામાં આવતા હતા. કેટલાક હથિયારો અને કારતૂસો પણ સપ્લાય થતા હતા. તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે આ સંગઠન સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને પોતાની જાળમાં ફસાવતી હતી. યુવાનોને રૂપિયાની લાલચ આપીને ભરતી કરાવવામાં આવી રહ્યા હતા. જે બાદ તેમને નશાની તસ્કરી જેવા કામોમાં લગાવી દેવાતા હતા. દિલ્હીના સ્પેશિયલ સેલને મે મહિનામાં જ માહિતી મળી ગઇ હતી કે શાહઝાદ ભટ્ટી અને અજમલ ગુજ્જર દિલ્હી એનસીઆર કેટલીક મોટી ઘટનાઓને અંજામ આપવાનું કાવતરુ ઘડી રહ્યા હતા. જે બાદ પોલીસને ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડીને મોહિત ઉર્ફ યોગીની ધરપકડ કરી હતી. જે બાદ ગેરકાયદે હથિયારો અને પાકિસ્તાની હેન્ડલરોની સાથે સંપર્ક હોવાની જાણકારી મળી હતી. આ ગેંગ દિલ્હી, ગાઝિયાબાદ અને આસપાસના અનેક મહત્વપૂર્ણ સ્થળોએ રેકી પણ કરી રહી હતી. પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી હથિયારો અને આ નશીલા પદાર્થોને ભારતમાં ઘૂસાડવામાં આવ્યા હતા. જે પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે મોટાભાગના યુવા વયના છે. તેમના નામ અનસ ત્યાગી, મોહિત, દીપક, આરિફ, કરણવીર, જતન, સાબિરનો સમાવેશ થાય છે. આરોપીઓ ૨૬થી ૩૦ વર્ષની વયના છે જેમની હાલ આકરી પૂછપરછ કરાઇ રહી છે.

