(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagar જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામે પેટ્રોલ પંપ પર થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરતાં તેને ગંભીર ઇજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ, મીઠોઈ ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતા પ્રવિણભાઈ કચરાભાઈ રૂડાચ (ઉ.વ. ૩૯) પોતાની મોટરસાયકલ લઈને મોડપર પાટિયા પાસે આવેલા ભાગ્યોદય પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા ગયા હતા. તે દરમિયાન આરોપી જુવાનસિંહ ઉર્ફે મુન્નો મહોબતસિંહ જાડેજાના સ્કૂટરનો સ્પર્શ ફરીયાદીની મોટરસાયકલ સાથે થતાં પ્રવિણભાઈએ સ્કૂટર સાવચેતીપૂર્વક ચલાવવા જણાવ્યું હતું.
આ બાબતે આરોપીએ ફરીયાદી સાથે ગાળાગાળી કરી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં આ જ બાબતનો મનદુઃખ રાખી પ્રવિણભાઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મીઠોઈ ગામમાં સરકારી શાળા નજીક અને પંચાયત કચેરી સામે જાહેર માર્ગ પર આરોપી લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે ઉભો હતો.
આરોપીએ પ્રવિણભાઈ પર હુમલો કરી તેમના માથાના ભાગે લોખંડના પાઇપ વડે ઘા ઝીંક્યો હતો. હુમલાના કારણે પ્રવિણભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને માથામાં ૧૧ ટાંકા લેવા પડ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૮(૧), ૩૫૨, ૨૯૬(બી) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

