(નયના દવે દ્વારા) Jamnagarતા.૧૮
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમ વિસ્તારમાં મેઘપર (પડાણા) પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.૩૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જોગવડ ગામની સીમમાં રામદુતનગર વિસ્તારમાં રવિવારી ગુજરી બજાર ગ્રાઉન્ડ પાછળ આવેલી એક ભાડાની ઓરડીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મેઘપર (પડાણા) પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ત્યાં રહેતી સુનીતા વિધ્યાચલ યાદવ (ઉ.વ. ૪૩), મૂળ ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લાના ગોવિંદપુર ગામની રહેવાસી અને હાલ જોગવડ ગામે ભાડાની ઓરડીમાં રહેતી મહિલાના કબજામાંથી ૬૪૮ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, જ્યારે ફરારી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

