China, તા. 19
વૃદ્ધો અને હરવા-ફરવામાં અસમર્થ લોકોની દૈનિક જરૂરિયાતોને સરળ બનાવવા માટે ચીનની એક કંપનીએ AI આધારિત સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક ટોઇલેટ બનાવ્યું છે. ‘શિયાઓબાન ટોઇલેટ રોબોટ’ જરૂરિયાત પડવા પર પોતે જ વ્યક્તિની પાસે પહોંચી જાય છે, ઉપયોગ કર્યા પછી જાતે જ સફાઈ કરે છે અને ચાર્જિંગ ડોક પર પાછો ફરી જાય છે.
તેને તાજેતરમાં શાંઘાઈમાં ‘એલ્ડર કેર’ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેની કિંમત 4,000 ડોલર લગભગ 3.7 લાખ રૂપિયા છે. તેને વોઇસ કમાન્ડ અથવા રિમોટ દ્વારા બોલાવી શકાય છે. ઘરમાં રસ્તો ઓળખવા માટે લેઝર, લિડાર (LiDAR) અને અલ્ટ્રાસોનિક સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અદ્યતન નેવિગેશનથી આ રસ્તાનાં અવરોધોને ઓળખે છે.
જાતે જ કરશે સફાઈ, સારસંભાળનો બોજ ઘટશે
રોબોટની સૌથી ખાસ વિશેષતા ઓટોમેટિક વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઉપયોગ કર્યા પછી કચરાને પ્રોસેસ કરીને ઘરેલુ શૌચાલય સુધી પહોંચાડી દેવામાં આવે છે, જેનાથી સારસંભાળ રાખનારાઓનું કામ ઓછું થાય છે.
આમાં દુર્ગંધ નિયંત્રણ ટેકનોલોજી, સીલબંધ સ્ટોરેજ, ફિલ્ટરેશન સિસ્ટમ, ગરમ પાણીથી ધોવા, સૂકવવા અને સેલ્ફ-ક્લીનિંગ જેવી સુવિધાઓ પણ છે. નિષ્ણાતોનું માનવું છે કે વૃદ્ધ લોકો માટે આવા રોબોટ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

