Mumbai ,તા.24
પોતાના બેબાક અંદાજ અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતી ગાયિકા સોના મોહાપાત્રા ફરી એકવાર ચર્ચામાં છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પ્રવર્તતા સેક્સિઝમ અને મહિલા કલાકારોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળવાના મુદ્દે તે હંમેશા અવાજ ઉઠાવતી આવી છે. તાજેતરમાં જ કેરળના એક લિટરેચર ફેસ્ટિવલમાં આપેલા નિવેદન બાદ તેણે સોશિયલ મીડિયા પર બોલિવૂડની સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સોનાનું કહેવું છે કે, હિન્દી સિનેમામાં દિલ તૂટવાના ગીતો માત્ર પુરુષ ગાયકો માટે જ “રિઝર્વ” રાખવામાં આવે છે.
સોના મોહાપાત્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરીને બોલિવૂડની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. તેણે જણાવ્યું કે, “બોલિવૂડમાં દિલ તૂટવાના તમામ ગીતો પુરુષો માટે જ અનામત હોય છે. એવું લાગે છે કે માત્ર પુરુષોનું જ દિલ તૂટે છે અને આજકાલના પુરુષો જ પ્રેમ અનુભવી શકે છે. જ્યારે પણ મને કોઈ ડ્યુએટ માટે બોલાવવામાં આવે છે, ત્યારે મને હંમેશા ગીતના અંતમાં માત્ર એક નાનો કોરસ જ ગાવા મળે છે.”
આ સંદર્ભમાં તેણે ફિલ્મ ‘Raees’ ના સુપરહિટ ગીત ‘ઝાલિમા’નો ઉલ્લેખ કર્યો હતો. સોનાએ કહ્યું કે, જ્યારે તેને આ ગીત ગાવા માટે ઓફર મળી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ગીતનો મુખડો અને અંતરો બધું જ પુરુષ ગાયક દ્વારા ગવાયું હતું. તેણે સંગીતકાર પ્રીતમને સવાલ પણ કર્યો હતો કે, “શું પુરુષ અહીં પોતાની જાતને જ પ્રેમ કરી રહ્યો છે? આ કેવું ડ્યુએટ છે, જેમાં મહિલાનો અવાજ માત્ર છેલ્લે જ આવે છે?” જોકે, સોનાએ સ્પષ્ટ કર્યું હતું કે આમાં ગાયક અરિજીત સિંહની કોઈ ભૂલ નથી, તે એક શાનદાર કલાકાર છે, પરંતુ આખી સિસ્ટમ જ ખામીયુક્ત છે.
સોના મોહાપાત્રાએ આ મુદ્દાને ઇન્સ્ટાગ્રામના કોમેન્ટ સેક્શનમાં વધુ વિગતવાર સમજાવ્યો હતો. તેણે લખ્યું કે આ લડાઈ કોઈ વ્યક્તિગત સિંગર સામે નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓના યોગ્ય પ્રતિનિધિત્વની છે. વાર્તાઓ અને ગીતોમાં અસમાનતા: બોલિવૂડ હવે મહિલા કેન્દ્રીત યાદગાર પ્રેમકથાઓ કે દિલ તૂટવાના ગીતો લખવાનું ઓછું કરી ચૂક્યું છે.નોંધનીય છે કે વર્ષ 2017માં રિલીઝ થયેલી શાહરુખ ખાન અને માહિરા ખાન સ્ટારર ફિલ્મ ‘Raees’ નું ‘ઝાલિમા’ ગીત ભારે હિટ રહ્યું હતું. સોના મોહાપાત્રા જે ગીતનો ઉલ્લેખ કરી રહી છે, તે ફાઇનલ વર્ઝનમાં અરિજીત સિંહ અને હર્ષદીપ કૌરના અવાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

