શૂટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની માહિતી અથવા તસવીરો લીક ન થાય તે માટે સેટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ
Mumbai તા.૨૬
સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’માં શાહરુખના બદલે કિમિયો રિતિક કરશે એવી ચર્ચાઓ વચ્ચે હવે એવા અહેવાલ છે કે રિતિકે શૂટિંગ પૂરું પણ કરી લીધું છે. રિતિક રોશને ફિલ્મમાં પોતાના ખાસ કેમિયો માટેનું શૂટિંગ પૂરું કરી દીધું છે. ચેન્નાઈમાં બે દિવસના શીડ્યુલ દરમિયાન રિતિક અને રજનીકાંતે સાથે મહત્વના સીનનું શૂટિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મનાં ડિરેક્ટર નેલ્સન દિલીપકુમારે હૃતિક માટે એક ભવ્ય અને મોટા પડદા પર સીટી-તાળીઓ પડાવે તેવું પાત્ર તૈયાર કર્યું છે. ફિલ્મમાં તેની એન્ટ્રીનાં સીનને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે બાદ રજનીકાંત સાથેની એક જોરદાર સિક્વન્સ જોવા મળશે. આ સમગ્ર એપિસોડ ફિલ્મની સૌથી મોટી હાઇલાઇટ્સમાંનો એક માનવામાં આવી રહ્યો છે.રિતિકે ૨૨ અને ૨૩ જૂન દરમિયાન ચેન્નાઈમાં ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. અહેવાલો મુજબ તેનો કેમિયો માત્ર દેખાવ પૂરતો નથી, પરંતુ ફિલ્મની વાર્તાને મહત્વપૂર્ણ વળાંક આપનાર ભૂમિકા ભજવશે. ફિલ્મમાં હૃતિક એક અલગ અને ખાસ લૂકમાં જોવા મળશે, જેને હાલ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો છે. શૂટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની માહિતી અથવા તસવીરો લીક ન થાય તે માટે સેટ પર કડક સુરક્ષા વ્યવસ્થા અને ‘નો-ફોન પોલિસી’ અમલમાં મુકાઈ હતી. આ પહેલાં વર્ષ ૧૯૮૬માં આવેલી ફિલ્મ ‘ભગવાન દાદા’માં બાળ કલાકાર તરીકે રિતિકે રજનીકાંત સાથે કામ કર્યું હતું. લગભગ ચાર દાયકાઓ બાદ બંને ફરી એકવાર કેમેરા સામે સાથે આવવાના છે. સુત્રો અનુસાર, સેટ પર પહોંચતા જ રિતિકે રજનીકાંતના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. શૂટિંગ પહેલાં તે થોડો નર્વસ પણ દેખાયો હતો. બંને કલાકારો વચ્ચે ફિલ્મો, પરિવાર અને જીવન અંગે લાંબી ચર્ચાઓ થઈ હતી. રજનીકાંતે રિતિકના પુત્રો રિદાન અને રિહાન વિશે પણ આત્મીયતાથી પૂછપરછ કરી હતી.

