રિયા અને શોવિક બંનેએ જણાવ્યું કે તેઓ હજુ પણ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે
Mumbai, તા.૨૭
રિયા ચક્રવર્તીએ પોતાના અંગત જીવન અને વર્ષ ૨૦૨૦માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ આવેલા કઠિન સમય અંગે ખુલીને વાત કરી છે. અંગદ બેદી અને નેહા ધૂપિયાના યુટ્યુબ શોમાં આપેલા ઇન્ટરવ્યુમાં રિયાએ જણાવ્યું કે તે હાલમાં સિંગલ છે અને તે તથા તેનો ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ તે સમયના માનસિક આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી.પોતાનાં રિલેશનશિપ સ્ટેટસ અંગે વાત કરતાં રિયાએ કહ્યું કે તે હાલમાં સિંગલ છે. ભવિષ્યમાં જીવનસાથીમાં કેવા ગુણો ઈચ્છે છે તે અંગે તેણે કહ્યું, “અત્યારે મારી કોઈ ખાસ ઈચ્છા નથી, પરંતુ જીવનમાં એક સારો સાથી મળે તો સારું. જો એક શબ્દમાં કહું તો તે વ્યક્તિ ‘પરિપક્વ’ હોવી જોઈએ.”લગ્ન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં રિયાએ કહ્યું કે તે પોતાના નાના ભાઈ શોવિકના લગ્ન પહેલાં લગ્ન કરવા માંગતી નથી. જોકે શોવિકે હસતાં જવાબ આપ્યો કે તે પણ બહેનના લગ્ન પછી જ લગ્ન કરશે. સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ થયેલી તપાસ અને ધરપકડ અંગે વાત કરતાં રિયાએ સ્વીકાર્યું કે તે સમયનો માનસિક આઘાત આજે પણ તેનો પીછો છોડતો નથી.તેણે કહ્યું, “આ એવી વસ્તુ નથી કે જેમાંથી તમે સંપૂર્ણપણે બહાર આવી શકો. આ ટ્રોમા છે, જે તમારા મનમાં નહીં તો શરીરમાં તો રહી જ જાય છે.”શોવિકે પણ જણાવ્યું કે ૨૦૨૦ પહેલાં તે આઈઆઈએમ અથવા વ્હાર્ટનમાં એમબીએ કરવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ અચાનક બધું બદલાઈ ગયું. તેણે કહ્યું, “જીવનમાં શું થશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. અમારી જિંદગી ફરી સામાન્ય બનતાં ચારથી પાંચ વર્ષ લાગી ગયા.”રિયા અને શોવિક બંનેએ જણાવ્યું કે તેઓ હજુ પણ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શોવિકે કહ્યું, “આજે પણ ક્યારેક દરવાજાની બેલ વાગે તો મને એ દિવસો યાદ આવી જાય છે. ત્યારે દરવાજા પરની દરેક બેલથી એવું લાગતું કે ફરી કોઈ અમને લેવા આવ્યું છે.”રિયાએ ઉમેર્યું, “જેમ શોવિકે કહ્યું, પીટીએસડી તો છે જ. થેરાપી દ્વારા અમે તેનાથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”જૂન ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ સંબંધિત તપાસ શરૂ કરી હતી. આ કેસમાં રિયા ચક્રવર્તીએ મુંબઈની ભાયખલા જેલમાં ૨૮ દિવસ વિતાવ્યાં હતાં, જ્યારે તેનો ભાઈ શોવિક લગભગ ૯૦ દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યો હતો.

