Vadodara તા.૨૭
વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર પાનમ જળ વિતરણ યોજનાની બાકી રકમને લઈને આર્થિક દબાણમાં આવી છે. રાજ્ય સરકારે વ્યાજ અને પેનલ્ટી તરીકે વસૂલાત થનારી રૂ. ૪,૧૯૩ કરોડની રકમ માફ કરી હોવા છતાં કોર્પોરેશને હવે રૂ. ૧,૦૩૯ કરોડની મૂળ રકમ ચૂકવવાની રહેશે. આ જ મુદ્દો હાલ કોર્પોરેશન માટે સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે.
મૂળરૂપે સિંચાઈ વિભાગે વ્યાજ અને દંડ સહિત કુલ રૂ. ૫,૩૨૯ કરોડની માંગણી કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મામલે ફોર્મ્યુલા આધારીત ઉકેલ લાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે વ્યાજ અને પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરતા કોર્પોરેશનને મોટી રાહત મળી હતી, પરંતુ મૂળ રકમની ચુકવણીનો પ્રશ્ન હજુ યથાવત રહ્યો છે.
મળતી માહિતી મુજબ કોર્પોરેશને આ રકમ ૧૨ હપ્તામાં ચૂકવવાની રહેશે. પ્રથમ હપ્તામાં અંદાજે રૂ. ૨૦૦ કરોડ અને ત્યારબાદ બાકીની રકમ ૧૧ હપ્તામાં જમા કરાવવાની રહેશે. જોકે, કોર્પોરેશનની વાર્ષિક મિલકત વેરા સહિતની કુલ ટેક્સ આવક અંદાજે રૂ. ૭૦૦થી ૭૫૦ કરોડ જેટલી છે. આવી સ્થિતિમાં રૂ. ૧,૦૩૯ કરોડની ચુકવણી કરવી તંત્ર માટે સરળ નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આર્થિક નિષ્ણાતોના મતે, જો કોર્પોરેશન આ રકમ ચૂકવવા માટે પોતાની આવકનો મોટો હિસ્સો ખર્ચશે તો વિકાસકાર્યો, કર્મચારીઓના પગાર, જાળવણી ખર્ચ અને અન્ય નાગરિક સેવાઓ પર પણ તેની અસર પડી શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ ફરી રજૂઆત કરી છે. કોર્પોરેશને વિનંતી કરી છે કે બાકી રહેલી મૂળ રકમ અંગે પણ સરકાર કોઈ રાહત આપે અથવા વૈકલ્પિક ઉકેલ શોધે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ જણાવ્યું છે કે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને સકારાત્મક નિર્ણયની આશા છે.
પાનમ જળ વિતરણ યોજના વર્ષ ૧૯૭૧માં વડોદરાની ભવિષ્યની પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. તે સમયે વડોદરા મહાનગરપાલિકા, રાજ્ય સરકાર તથા જીએસએફસી, આઇપીસીએલ અને ગુજરાત રિફાઇનરી વચ્ચે કરાર થયો હતો. આ યોજના હેઠળ કોર્પોરેશને ડેમના નિર્માણ માટે અંદાજે રૂ. ૯ કરોડનું મૂડી રોકાણ કર્યું હતું તેમજ જાળવણી ખર્ચ તરીકે વાર્ષિક રકમ ચૂકવવાની જોગવાઈ હતી. બદલામાં શહેરને દરરોજ અંદાજે ૩૮ મિલિયન ગેલન પાણી મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું
હાલ આ યોજના સાથે જોડાયેલી બાકી રકમને લઈને કોર્પોરેશન ફરી એકવાર નાણાકીય દબાણમાં છે. હવે રાજ્ય સરકાર કોર્પોરેશનની નવી રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ શહેરવાસીઓની નજર ટકેલી છે.

