ફિલ્મ શરૂ કરતી વખતે કોઈ નિશ્ચિત બજેટ નક્કી કરવામાં આવ્યું નહોતું. દરરોજના શૂટિંગ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડતી હતી
Mumbai, તા.૨૯
આજે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી સફળ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં સ્થાન મેળવનારી ફિલ્મ ‘બાહુબલી’ની શરૂઆત એટલી સારી નહોતી. દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે ફિલ્મ રિલીઝના દિવસે ફિલ્મને “ભારતીય સિનેમાની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ” તરીકે ગણાવવામાં આવી હતી અને નિર્માતાઓને લગભગ ૭૦ કરોડની ખોટનો સામનો કરવો પડ્યો હતો.નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી ‘બાહુબલીઃ ધ ટોર્ચબેરર’માં રાજામૌલી અને નિર્માતા શોબુ યારલગડ્ડાએ ફિલ્મનાં નિર્માણ અને રિલીઝ દરમિયાનના પડકારો વિશે વિગતવાર વાત કરી હતી.શોબુ યારલગડ્ડાએ જણાવ્યું કે ફિલ્મ શરૂ કરતી વખતે કોઈ નિશ્ચિત બજેટ નક્કી કરવામાં આવ્યું નહોતું. દરરોજના શૂટિંગ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડતી હતી.તેમણે કહ્યું, “થોડા જ દિવસોમાં શૂટિંગનો દૈનિક ખર્ચ ૨૫ લાખથી પણ વધુ થઈ ગયો હતો. માત્ર ચાર દિવસના યુદ્ધના દૃશ્યો પર જ લગભગ ૧ કરોડનો ખર્ચ થયો હતો, જે ૧૨ વર્ષ પહેલાં એક સંપૂર્ણ નાના બજેટની ફિલ્મ બનાવવા માટે પૂરતો હતો.”રાજામૌલીએ જણાવ્યું કે ફિલ્મનું બજેટ એટલું મોટું હતું કે માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની બોક્સ ઓફિસ પરથી ખર્ચ વસૂલવો શક્ય નહોતો. તેમણે કહ્યું, “અમને શરૂઆતથી જ ખબર હતી કે ફિલ્મ એકથી વધુ ભાષાઓમાં સફળ થવી જરૂરી છે. નહીં તો રોકાણ પરત મેળવવું મુશ્કેલ બનશે.”આ જ કારણસર નિર્માતાઓએ હિન્દી બજારમાં ફિલ્મ રિલીઝ કરવા માટે કરણ જોહરનો સંપર્ક કર્યો હતો. અભિનેતા રાણા દગ્ગુબાતીએ ફિલ્મના સ્ટિલ્સ બતાવ્યા બાદ કરણ જોહરે તરત જ હિન્દી વર્ઝનના વિતરણ માટે સહમતિ આપી હતી. શોબુ યારલગડ્ડાએ યાદ કરતાં જણાવ્યું કે ફિલ્મ રિલીઝ થઈ પછી પણ ૭૦ કરોડની ખોટ હતી. તેમણે જણાવ્યું “જેટલો ખર્ચ કર્યો હતો અને જેટલી રિકવરી થઈ હતી, તે બાદ પણ અમે ૭૦ કરોડના નુકસાનમાં હતા.”રાજામૌલીએ કહ્યું કે હિન્દી, અમેરિકા અને ગલ્ફ દેશોમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ સૌથી મોટું બજાર ગણાતા આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં શરૂઆતના રિવ્યૂઝ ખૂબ જ નકારાત્મક હતા. તેમણે કહ્યું, “સોશિયલ મીડિયા પર શિવલિંગની જગ્યાએ શિવાના હાથમાં ઝંડુ બામ મૂકેલી તસવીરો વાયરલ થઈ રહી હતી. શું ખોટું થયું તે સમજાતું નહોતું. હું બિલકુલ સ્તબ્ધ થઈ ગયો હતો.”અભિનેતા પ્રભાસે પણ તે દિવસને યાદ કરતાં કહ્યું, “એ દિવસ યુદ્ધ જેવો હતો. નિર્માતાઓએ એ પરિસ્થિતિ કેવી રીતે સંભાળી હશે તેની આજે પણ કલ્પના કરી શકતો નથી.”એસોસિએટ પ્રોડ્યુસર કાર્તિકેય વિજય યારલગડ્ડાએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ભારે ટીકા થતાં આખી ટીમ તૂટી પડી હતી. રાજામૌલીએ વધુમાં જણાવ્યું કે એક ડિસ્ટ્રિબ્યુટરે તેમને ફોન કરીને કહ્યું હતું કે ફિલ્મને “ભારતીય સિનેમાની સૌથી મોટી ડિઝાસ્ટર” કહેવામાં આવી રહી છે.રાજામૌલીએ કબૂલ કર્યું કે, “અમને તો લાગ્યું હતું કે અમારી કારકિર્દીનો અંત આવી ગયો છે.” જોકે, સાંજ પડતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. દર્શકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદ અને માઉથ પબ્લિસિટીથી થયેલી પ્રશંસાને કારણે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો.

