Mumbai,તા,18
વર્તમાન વર્ષના ઓકટોબરથી ડીસેમ્બરની તહેવારોની મોસમ દરમિયાન ભારતના ઈ-કોમર્સ દ્વારા કુલ ૧૨ અબજ ડોલરના માલસામાનનું વેચાણ થવાનો અંદાજ છે. એક ખાનગી લોજિસ્ટિક પેઢી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ પ્રમાણે ઓકટોબરથી ડીસેમ્બરના ગાળામાં દેશના ઈ-કોમર્સની ગ્રોસ મર્ચંડાઈઝ વેલ્યુ ૧૨ અબજ ડોલર રહેશે જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૨૩ ટકા વધુ હશે.
આર્ટિફિસઅલ ઈન્ટેલિજન્સ આધારિત શોપિંગ ભલામણો તથા સોશ્યલ મીડિયા મારફતના પ્રચાર વર્તમાન વર્ષમાં વપરાશકારો પર પ્રભાવ પાડી રહ્યાનું જોવા મળી રહ્યું છે, ખાસ કરીને ફેશન તથા બ્યુટી સાધનોમાં આ પ્રભાવ જોવાઈ રહ્યો છે.
૨૦૨૩ના ઓકટોબરથી ડીસેમ્બરના ગાળામાં ઈ-કોમર્સ મારફત વેચાયેલા માલસામાન તથા સેવાનો આંક ૯.૭૦ અબજ ડોલર રહ્યો હતો.
ફેશન, બ્યુટી, વ્યક્તિગત સારસંભાળ તથા ઈલેકટ્રોનિક માલસામાનની માગમાં વધારાને પરિણામે આ વેચાણમાં વૃદ્ધિ જોવા મળવાની ધારણાં આવી પડી છે.
દ્વીતિય તથા તૃતિય શ્રેણીના શહેરોમાં ડિજિટલ વપરાશમાં વધારો થતાં અહીં ઈ-કોમર્સ મારફત વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઈ-કોમર્સ પર તહેવાર નિમિત્તેના કુલ ઓર્ડરમાંથી ૬૦ ટકા જેટલા ઓર્ડર પ્રથમ શ્રેણીના શહેરોથી બહારના શહેરોમાં જોવા મળવાની પણ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે.