Mumbai,તા,18
દેશની ઈક્વિટી બજારમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો વર્તમાન વર્ષનો રોકાણ આંક કેશમાં રૂપિયા ચાર લાખ કરોડને વટાવી ગયો છે. કોઈ એક કેલેન્ડર વર્ષમાં ડીઆઈઆઈના ઈન્વેસ્ટમેન્ટનો આ આંક અત્યારસુધીનો સૌથી ઊંચો છે.આની સામે વિદેશી રોકાણકારોની કેશમાં રૂપિયા ૨,૦૧,૫૪૬ કરોડની નેટ વેચવાલી રહી છે. ડીઆઈઆઈની રૂપિયા ૪,૧૦,૪૬૬ કરોડની લેવાલી રહી છે.
૨૦૨૪ને સમાપ્ત થવાને હજુ બે મહિના બાકી છે ત્યારે ઈક્વિટીસમાં ડીઆઈઆઈનો રોકાણ આંક હજુ પણ ઊંચો જોવા મળશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) એક તરફ જંગી વેચાણ કરી રહ્યા છે જ્યારે ડીઆઈઆઈની સતત લેવાલીથી દેશના ઈક્વિટી બજારને ટેકો મળી રહ્યો છે.
ઓકટોબરમાં એફપીઆઈએ નેટ રૂપિયા ૭૪૭૩૨ કરોડની વેચવાલી કરી છે જ્યારે ડીઆઈઆઈની રૂપિયા ૬૮૯૬૦ કરોડથી વધુની લેવાલી રહી છે. ડીઆઈઆઈનો ઓકટોબરનો ઈન્ફલોસ કોઈ એક મહિનાનો સૌથી ઊંચો છે.
ઓકટોબરમાં સતત પંદરમાં મહિને નેટ ઈન્ફલોસ જોવા મળી રહ્યો છે.
મ્યુચ્યુઅલ ફન્ડોમાં રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારાને પરિણામે ડીઆઈઆઈની ઈક્વિટીસમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ડીઆઈઆઈની સક્રિયતાને કારણે ભારતીય શેરબજારો વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી વચ્ચે પણ સ્થિર જોવા મળી રહ્યા છે.
વર્તમાન વર્ષમાં સેન્સેકસમાં ૧૩ ટકા જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૫ ટકા વળતર જોવા મળી રહ્યું છે. લાર્જકેપ્સની સાથોસાથ સ્મોલ તથા મિડકેપ્સમાં પણ આકર્ષણ જોવા મળે છે.
અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યા હોવાથી ભારતીય બજારમાંથી તેમના દ્વારા ઈન્ફલોસ જોવાઈ રહ્યો છે, એમ પણ વિશ્લેષકે ઉમેર્યું હતું.
વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે આઠ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે. ઓગસ્ટમાં મોટી સંખ્યાના ફન્ડ મેનેજરો ભારત બાબતે ઓવરવેઈટ હતા પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, અને ઓવરવેઈટના બદલે અન્ડરવેઈટ ધરાવતાઓની સંખ્યા વધી ગઈ હોવાનું સર્વેમાં નોંધવામાં આવ્યું છે.