Mumbai,તા.19
વર્તમાન ૨૦૨૪-૨૫ના નાણાં વર્ષ ના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ભારતની કઠોળ આયાત મૂલ્યની દ્રષ્ટિએ ૭૩ ટકા ઊંચી રહીને ૨.૧૮ અબજ ડોલર પહોંચી છે. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં આયાત બિલ ૧.૨૭ અબજ ડોલર રહ્યું હતું.
વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે સપ્ટેમ્બરમાં કઠોળની આયાત ૩૪.૮૦ ટકા વધી ૪૨.૫૭ કરોડ ડોલર રહી હતી. ઘરઆંગણે નીચા ઉત્પાદનને કારણે ભારતે કઠોળ ખાસ કરીને તુવેર, અડદ તથા દેશી ચણાની વધુ આયાત કરવી પડે છે.
વર્તમાન વર્ષના એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઘરઆંગણે કઠોળનો પૂરવઠો વધારવા સરકારે આયાત મર્યાદાઓ દૂર કરી હતી.
ભારતમાં બદલાઈ રહેલી જીવનશૈલી સાથે કઠોળની માગમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે ઉત્પાદનમાં તે પ્રમાણે વૃદ્ધિ જોવા મળતી નથી.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની સ્થિતિ સારી રહેતી હોવા છતાં પ્રમાણમાં નીચા વાવેતરને પરિણામે ઉત્પાદનનું સ્તર નીચું રહે છે, જ્યારે માગ ઊંચી જોવા મળે છે. વર્તમાન ખરીફ મોસમમાં કઠોળનું વાવેતર ૭.૪૫ ટકા ઊંચુ રહ્યું છે.