Mumbai,તા.19
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં દેશનું ક્રુડ ઓઈલ આયાત બિલ વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધી ૭૧.૩૦ અબજ ડોલર રહ્યું છે જ્યારે વોલ્યુમ ચાર ટકા વધી ૧૨.૦૫ કરોડ ટન રહ્યું હોવાનું પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના ડેટા જણાવે છે.
નાણાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં આયાત બિલ ૬૩.૭૦ અબજ ડોલર રહ્યું હતું અને કુલ ૧૧.૫૯ કરોડ ટન આયાત રહી હતી.
ઘરઆંગણે માગમાં વધારો અને ઉત્પાદનમાં સ્થિરતાને પરિણામે ક્રુડ તેલની આયાત નિર્ભરતા વધી ૮૮.૨૦ ટકા રહી હતી. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ક્રુડ તેલની કુલ માગમાંથી ૮૭.૬૦ ટકા આયાત મારફત પૂરી કરવામાં આવી હતી.
ઘરઆંગણે ક્રુડ તેલનું ઉત્પાદન વધારવાના સરકારના પ્રયાસો છતાં છેલ્લા એક દાયકામાં ઉત્પાદન સ્થિર જોવા મળી રહ્યું છે અને આયાત નિર્ભરતા વધી રહી છે.
મધ્યપૂર્વ વિસ્તારમાં તંગદિલીને પરિણામે ક્રુડ તેલના ભાવમાં ભારે વોલેટિલિટી પણ જોવા મળી રહી છે. યુક્રેન પર આક્રમણ બાદ રશિયા પર લાગુ થયેલા પ્રતિબંધોને પરિણામે રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની સસ્તી આયાતમાં વધારો થયો હતો.
વર્તમાન વર્ષમાં ક્રુડ તેલની માગમાં સૌથી વધુ વૃદ્ધિ ભારતમાં જોવા મળવા ધારણાં છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના તાજેતરના અંદાજ પ્રમાણે ૨૦૨૪માં ભારતની ક્રુડ તેલની માગમાં પ્રતિ દિન બે લાખ બેરલનો વૃદ્ધિ જોવા મળવા ધારણાં મૂકવામાં આવી છે.
ક્રુડ તેલના નિકાસકારોને ઉત્પાદન વધારવા ભારતે ભલામણ કરી છે. ક્રુડ તેલની માગમાં વૃદ્ધિની દ્રષ્ટિએ ભારત પહેલી વખત ચીનથી આગળ નીકળી જશે. ૨૦૨૪ના પ્રારંભમાં ક્રુડ તેલના ભાવમાં ઘટાડો ભારત માટે પોઝિટિવ સ્થિતિ બની હતી, પરંતુ ઈઝરાયલ-ઈરાન તંગદિલીથી સ્થિતિ ફરી કથળી ગઈ છે.