Bangalore,તા.21
ACC T20 ઇમર્જિંગ એશિયા કપ 2024માં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 રનથી હરાવ્યું હતું. આ મેચમાં બેટરોએ શાનદાર બેટિંગ કરતા ભારતે 183 રનનો મોટો સ્કોર બનાવ્યો. ભારત તરફથી કેપ્ટન તિલક વર્માએ સૌથી વધુ 44 રન બનાવ્યા. આ પછી પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 176 રન જ બનાવી શકી હતી. રમનદીપ સિંહે આ મેચમાં શાનદાર ફિલ્ડિંગ કરી હતી.
મેચની 9મી ઓવરમાં પાકિસ્તાની બેટર યાસિર ખાને નિશાંત સંધુના બોલ પર એક મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. અને શોટ સારો લાગ્યો પણ હતો. પરંતુ ભારતીય ફિલ્ડર રમનદીપ સિંહ એકદમ તૈયાર હતો. તે ફટાફટ દોડી અને કૂદીને બોલને પકડી લીધો હતો. ખાસ વાત એ છે કે તેણે આ કેચ તેણે એક હાથથી પકડ્યો હતો. અને તે દરમિયાન પોતાના શરીરનું સંતુલન પણ જાળવી રાખ્યું હતું. અને બોલને પોતાના હાથમાંથી સરકવા ન દીધો. તેના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
રમનદીપ સિંહની આ શાનદાર ફિલ્ડિંગની પ્રશંસા થઈ રહી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, ‘રમનદીપ સિંહ દ્વારા પકડવામાં આવેલા આ કેચને કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા પકડેલા સૌથી મહાન કેચમાંથી એક ગણવામાં આવશે. અદ્ભુત અને મંત્રમુગ્ધ કરો દેનાર કેચ!’
આ મેચમાં બેટર અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. અભિષેકે 35 રન અને પ્રભસિમરન સિંહે 36 રન બનાવ્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. આ બંનેએ ભારતીય ટીમ માટે જીતનો પાયો નાખ્યો હતો. નેહલ વાઢેરાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય શાનદાર કેચ લેનાર રમનદીપ સિંહે 17 રન બનાવ્યા હતા.