Mumbai,તા.21
દેશમાંથી ચોખાની નિકાસ વધારવા સરકાર ચોખા પરના નિકાસ નિયમનોને વધુ હળવા કરવા વિચારી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ચોખાની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ સાધારણ નીચી રહેતા સરકાર નિકાસ નિયમનો વધુ હળવા કરવા વિચારી રહી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
નોન બાસમતિ વ્હાઈટ રાઈસની નિકાસ માટે પ્રતિ ટન ૪૯૦ ડોલર લઘુત્તમ નિકાસ ભાવ તથા પારબોઈલ્ડ (ઉકળા) ચોખા પરની દસ ટકા નિકાસ ડયૂટી દૂર કરવા વિચારાઈ રહ્યું છે. જો કે આ માટે સરકાર ખરીફ ચોખાના ઉત્પાદન અંદાજ મેળવ્યા પછી નિર્ણય લેશે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) પાસે હાલમાં વધુ સ્ટોકસ જમા પડયો હોવાને કારણે પણ સરકાર ગોદામમાં બફર સ્ટોક ઊભો કરવા જુના ચોખાનો નિકાલ કરવા ઈરાદો ધરાવે છે.
પંજાબ તથા હરિયાણામાં નવા ચોખાની આવક શરૂ થવા લાગી છે.
સપ્ટેમ્બરના અંતે જારી કરાયેલા નોટિફિકેશનમાં ઉકળા ચોખા પરની નિકાસ ડયૂટી વીસ ટકા પરથી ઘટાડી દસ ટકા કરાઈ હતી. જ્યારે નોન-બાસમતિ સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો. તે પહેલા બાસમતિ ચોખાનો પ્રતિ ટન ૯૫૦ ડોલર લઘુત્તમ નિકાસ ભાવ દૂર કરાયો હતો.
સાનુકૂળ હવામાનને પરિણામે વર્તમાન વર્ષમાં દેશનું બાસમતિ ચોખાનું ઉત્પાદન ૧૦થી ૧૧ ટકા ઊંચુ ઊતરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ચોખાની નિકાસ ૩.૩૦ ટકા ઘટી ૫૧૨ કરોડ ડોલર રહી છે જે ગયા વર્ષના આ ગાળામાં ૫૨૯ કરોડ ડોલર રહી હતી.