Mumbai,તા.21
કેન્દ્ર સરકાર દ્વારા સીટી ગેસ ડિસ્ટ્રિબ્યૂટર્સને પૂરો પાડવામાં આવતા સસ્તા ગેસની ફાળવણી 20 ટકા સુધી ઘટાડવામાં આવતાં આગામી દિવસોમાં સીએનજીના ભાવ 4થી 6 રૂપિયા સુધી વધી શકે છે. કેન્દ્ર સરકારે એડમિનિસ્ટ્રેટિવ પ્રાઈસ મિકેનિઝ્મ ગેસનો પુરવઠામાં ઘટાડો કર્યો છે. જેની અસર સીએનજી વાહનચાલકોને થવાની શક્યતા છે. જો કે, દેશભરમાં પેટાચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકાર સીએનજીના ભાવોને નિયંત્રણમાં રાખવા પ્રયાસો કરી રહી છે.
વૈશ્વિક સ્તરે ભાવ વૃદ્ધિના કારણે ભાવ વધ્યા છે. આ ભાવ વધારો અટકાવવા માટે સરકારે આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. જો કે, અત્યારસુધીમાં નેચરલ ગેસનો પુરવઠો 20 ટકા સુધી ઘટાડ્યો છે. જેની અસર માર્કેટ પર થવાની સંભાવના છે.
ગેસના સપ્લાયમાં ઘટાડો
નેચરલ ગેસના કાચા માલને ઓટોમોબાઈલમાં વપરાશ માટે સીએનજી અને ઘરમાં રાંધણ ગેસ માટે એલપીજીમાં કન્વર્ટ કરવામાં આવે છે. આ સપ્લાયમાં વાર્ષિક ધોરણે 5 ટકા કાપ મુકવામાં આવે છે. સ્થાનિક રાંધણ ગેસનો પુરવઠો સ્થિર છે, જેમાં વધારો થવાની સંભાવના નથી. જો કે, સીએનજીનો પુરવઠો ઘટી રહ્યો હોવાથી સીએનજીના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
આયાત ડ્યૂટી ઘટાડાશે
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આગામી વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે. એવામાં સરકાર વધતી મોંઘવારીને અંકુશમાં લેવા પ્રયાસ કરશે. પરિણામે સીએનજી પર આયાત ડ્યુટી ઘટાડી શકે છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં સીએનજી આધારિત વાહનોની સંખ્યા વધુ હોવાથી સરકાર તેના ભાવમાં વધારો થતાં અટકાવશે.