New Delhi,તા.૨૮
રાજધાની દિલ્હી અને એનસીઆરના લોકો દેશમાં સૌથી વધુ પ્રદૂષણનો ભોગ બનવા મજબૂર છે. દેશના પાંચ શહેરોની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી હતી અને તેમાંથી ચાર શહેરો દિલ્હી-એનસીઆરમાં છે. દેશની સૌથી ખરાબ હવા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હતી, જ્યાં હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઇ) ૩૫૬ નોંધાયો હતો. તહેવાર પહેલા જ હવાનું પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે, દિવાળી સુધીમાં તે ગંભીર શ્રેણીમાં પહોંચવાની અપેક્ષા છે.
ગાઝિયાબાદ દિલ્હી પછી બીજું સૌથી પ્રદૂષિત શહેર હતું, જ્યાં એકયુઆઇ ૩૨૪ પર પહોંચ્યો હતો. ગ્રેટર નોઈડા ૩૧૨ના એકયુઆઇ સાથે દેશમાં ત્રીજા ક્રમે અને નોઈડા ૩૦૪ સાથે પાંચમા ક્રમે છે. એનસીઆરના અન્ય શહેરોમાં, ગુરુગ્રામમાં એકયુઆઇ ૨૩૯ હતો, જ્યારે ફરીદાબાદમાં તે ૨૦૮ હતો. દિલ્હી-એનસીઆર સિવાય, સમગ્ર દેશમાં અમૃતસર એકમાત્ર શહેર હતું જ્યાં હવા ખૂબ જ નબળી શ્રેણીમાં હતી અને એકયુઆઇ ૩૧૦ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી આ સ્થિતિને બદલવા માટે કોઈ હવામાનની સ્થિતિ સર્જાઈ રહી નથી. ચાર દિવસ પછી દિવાળીને ધ્યાનમાં રાખીને સ્થિતિ વધુ વણસી શકે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આગાહી કરી છે કે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ આ જ સ્થિતિ રહી શકે છે. બુધવારથી પવન ગંભીર શ્રેણીમાં પહોંચવાની ધારણા છે. હવામાનશાસ્ત્રીઓના મતે આ દિવસથી પ્રદૂષણમાં ફટાકડાના ધુમાડાનો હિસ્સો વધશે. તેનાથી હવાની ગુણવત્તા બગડશે.
દિવાળી પહેલા કરવામાં આવેલા એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે દિલ્હી-એનસીઆરના ૧૮ ટકા લોકો તહેવાર પર ફટાકડા ફોડવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, ખુશીની વાત એ છે કે સર્વેમાં સામેલ ૫૫ ટકા લોકોએ ફટાકડા ફોડવાની ના પાડી દીધી છે. નવ ટકા લોકો એવા છે જેમણે કહ્યું કે તેઓ જાણે છે કે દ્ગઝ્રઇમાં પ્રતિબંધ હોવા છતાં તેઓ ફટાકડા ક્યાંથી મેળવી શકે છે અને તેઓ ફટાકડા ખરીદવા પણ જઈ રહ્યા છે. લોકલ સર્કલ નામની એજન્સીએ ૧૦,૫૨૬ લોકો સાથે વાત કર્યા બાદ આ સર્વે બહાર પાડ્યો હતો.
ખરાબ હવાની ગુણવત્તાને કારણે સમગ્ર દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે ખાસ કરીને પવનની બદલાતી દિશા અને તેની ઘટતી ઝડપને કારણે સ્થિતિ વધુ વણસી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થઈ રહી છે. ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા અનુસાર, દક્ષિણ-પૂર્વ દિશામાંથી પવન ફૂંકાયો હતો. આ દરમિયાન પવનની ઝડપ ૮ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.ડિસિઝન સ્પોર્ટ સિસ્ટમ (ડીએસએસ) અનુસાર,હવામાં વાહનોના ધુમાડાને કારણે પ્રદૂષણનો હિસ્સો ૧૩.૦૨૮ ટકા હતો, જ્યારે કચરાને બાળવાથી થતા પ્રદૂષણનો હિસ્સો ૧.૨૦૮ ટકા હતો. શનિવારે, પ્રદૂષણમાં સ્ટબલ સ્મોકનો હિસ્સો ૫.૫૦૨૩ ટકા હતો.