New Delhi, તા.૩૦
શાકભાજીના ભાવ હવે ન પોષાય તે રેન્જમાં આવી ગયા હોવાથી ત્રસ્ત પ્રજાને લૂંટવા માટે વેપારી આલમ રોજને રોજ કોઈને કોઈ બહાના હેઠળ શાકભાજીના ભાવમાં ભડકો કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શાકભાજી અને ફળ બજારના સરવે કરીને ખેડૂતોને છૂટક ભાવની તુલનાએ હોલસેલર્સ અને રિટેઈલર્સ મળીને ૭૦ ટકા રકમ સેરવી લેતા હોવાની હકીકત જાહેર કરી તે વાસ્તવમાં બહાર આવી રહી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ એપીએમસીમાં ખેડૂતો વેપારીઓને હાથે લૂંટાઈ રહ્યા હોવાની એક ફરિયાદ કરી છે. શાકભાજીના ભાવ સતત ઊંચા રહેતા હોવાથી ફુગાવાનો દર પણ ઊંચો જઈ રહ્યો છે. આ સીઝનમાં કમોસમી વરસાદ અને પાકના ઓછા ઉતારાને નામે બૂમરાણ મચાવીને શાકભાજીના ભાવમાં ભડકો કરી દેવામાં આવ્યો છે.
એક જમાનો હતો જ્યારે ચોમાસામાં અને શિયાળામાં શાકભાજી એકદમ નીચા આવી જતાં હતા, પરંતુ છેલ્લા થોડા વરસોથી શાકભાજીના ભાવ શિયાળાની કે ચોમાસાની સીઝનમાં પણ ઊંચા જ રહે છે. તેની સામે ખેડૂતોની આવકમાં અપેક્ષા પ્રમાણેનો વધારો થતો નથી. કારણે વધારેમાં વધારે ફાયદો હોલસેલર્સ અને રિટેઈલર્સ જ ખાઈ જાય છે. તેનાથીય આગળ વધીને વાત કરીએ તો વચોટિયાઓ કે કમિશન એજન્ટ્સ પણ ખેડૂતની આવકમાંથી થોડોગણો હિસ્સો પડાવી લેવાની કવાયત કરી રહ્યા છે.
ઓક્ટોબર મહિનાના ત્રણ અઠવાડિયા સુધી બટાકાનો હોલસેલ માર્કેટમાં છૂટક સરેરાશ કિલોદીઠ ભાવ રૂ.૨૧નો રહ્યો છે. તેની સામે બટાકાના છૂટક ભાવ કિલોદીઠ એરિયા પ્રમાણે રૂ. ૫૦થી ૬૦ના બોલાયા છે. હા, સામનો વઘુ માાલ વેચી દેવા માગતા અને વઘુ ટર્નઓવર કરવા માગતા છૂટક વેપારીઓ રૂ.૧૦૦ના અઢી કિલો બટાકા વેચતા હોવાનું પણ જોવા મળ્યું છે. આમ હોલસેલમાં બટેકાના સરેરાશ કિલોદીઠ રૂ.૨૧ના ભાવ સામે છૂટકમાં ૧૫૦ ટકા ઊંચા રૂ. ૫૦ના સરેરાશ ભાવ જોવા મળ્યા છે.
અમદાવાદ એપીએમસીમાં ઓક્ટોબરના પહેલા ત્રણથી સાડાત્રણ અઠવાડિયા રોજની બટેકાની સરેરાશ આવક ૨૫૦૦૦ ક્વિન્ટલની રહી છે. આ જ રીતે ડુંગળીનો સરેરાશ રૂ. ૩૪થી ૩૭ના ભાવ સામે છૂટક બજારમાં ડુંગળીના રૂ. ૮૦ના ભાવ બોલાયા છે. સાવ કચરા જેવા દેખાલા ફુલાવરના નંગદીઠ રૂ.૫૦થી ૭૦ ખંખેરી રહ્યા છે.ટામેટાંના સરેરાશ રૂ. ૬૬ના કિલોદીઠ ભાવ સામે છૂટક બજારમાં રૂ. ૧૨૦થી ૧૪૦ જેટલા લઈ રહ્યા છે.
હોમ ડિલિવરી આપતી કંપનીઓના માલની ગુણવત્તા ખરાબ હોય તો તેમજ તેના માલના વજન પણ ઓછા હોવાની ફરિયાદ છે. આ સંજોગોમાં આમ આદમીને શાકભાજી ન પરવડે તેવી રેન્જમાં આવી રહ્યા છે. ખેડૂતો ચાર માસની મહેનત પછીય નથી કમાતા તેનાથી ઘણું વધારે એપીએમસીના વેપારીઓ ચાર કલાકમાં કમાઈ લે છે. આ સંજોગોમાં ખેડૂતો પાસેથી ખરીદવાના ભાવ અને છૂટકમાં વેચાતા ભાવ વચ્ચેનો ગાળો નિશ્વિત કરી આપવો જોઈએ. અન્યથા આમઆદમી વેપારીઓના ખેલમાં લૂંટાતા જ રહેશે.
શાકભાજી હોલસેલના ભાવ છૂટક ભાવ
રિંગણ-ભુટ્ટા રૂ.૨૪.૦૦ રૂ.૬૦થી ૮૦
રવૈયા. રૂ.૨૪.૦૦ રૂ.૬૦થી ૮૦
ટામેટાં રૂ.૬૦.૦૦ રૂ.૧૨૦થી૧૪૦
દૂધી રૂ.૬૦.૦૦ રૂ.૭૦થી ૮૦
કોબી રૂ.૧૮.૦૦ રૂ.૬૦થી ૮૦
ભીંડા રૂ.૨૫.૦૦ રૂ.૧૨૦ કે વઘુ
સરગવો. રૂ.૭૫.૦૦. રૂ૧૫૦ કે વઘુ
ફુલાવર રૂ.૪૬.૦૦. રૂ. ૭૦ નંગના