Mumbai,તા.06
શેરબજારમાં આજે જોરદાર તેજી સર્જાવા છતાં પ્રાયમરી માર્કેટમાં તેનો કોઇ પ્રભાવ ન હોય તેમ આજે ખુલેલા ત્રણ કંપનીઓના આઇપીઓને પ્રમાણમાં નબળો પ્રતિસાદ જ હતો. ખાસ કરીને બપોર સુધીમાં ફૂડ ડીલીવરી કંપની સ્વીગીનો ઇસ્યુ માંડ એક ટકા જ ભરાયો હતો અને ગ્રે માર્કેટમાં વેપાર થંભી જવા સાથે પ્રીમીયમ માત્ર 8 થી 10 રૂપિયા ક્વોટ થતું હતું.
પ્રાયમરી માર્કેટના સૂત્રોેએ કહ્યું કે ફૂડ ડીલીવરી કંપની સ્વીગીના આઇપીઓ પર નજર રાખવામાં આવતી હતી. કંપનીએ પ્રાઇઝ બેન્ડ જાહેર કર્યા બાદ ગ્રે માર્કેટમાં આકર્ષણ ગાયબ થઇ જ ગયું હતું અને આજે આઇપીઓ ખુલતા જ તેનો પુરાવો પણ મળી ગયો હતો. આજે બપોરની સ્થિતિએ આઇપીઓ માત્ર 0.1 ટકા જ ભરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ 371 થી 390 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ રાખી છે. કેટલાક દિવસોથી માર્કેટ નબળું છે અને મોટાભાગની કંપનીઓના લીસ્ટીંગ પણ ડીસ્કાઉન્ટમાં થવા પલાગતા રીટેઇલ ઇન્વેસ્ટરોનો રસ ધીમો પડી ગયો હતો. ગ્રે માર્કેટમાં સ્વીગીનું પ્રીમીયમ માંડ 8-10 રૂપિયાની સંભવિત કમાણી જોખમી ગણાવાતી હતી.
પાછલા દિવસોમાં પણ તેનું પ્રીમીયમ 28-30 રૂપિયાથી વધ્યું નહતું એટલે કોઇ આકર્ષક વળતરના સંકેત ન હોવા સામે નુકશાનીનું જોખમ હોવાથી નાના રોકાણકારો સાવધ હતા. ખાસ કરીને તાજેતરમાં જ હ્યુન્ડાઇ મોટર્સ જેવી કંપનીઓમાં ખોટ ખમવાનો વારો આવ્યો હોવાથી નાના રોકાણકારો સ્વીગીમાં રોકાણને પણ જોખમી ગણતા હતા.
પ્રાઇમરી માર્કેટના એક બ્રોકરે કહ્યું હતું કે ઇન્વેસ્ટરોનો એક વર્ગ ગ્રે માર્કેટ વેચાણ કરીને આઇપીઓમાં રોકાણ કરતા હોય છે પરંતુ સ્વીગીમાં ગ્રે માર્કેટમાં સોદા પણ થંભી ગયા છે. લોકલ કે અમદાવાદ, કલકતા, દિલ્હી જેવી કોઇ લાઇનમાંથી ખરીદનારા ન હતા. અરજીના વેપારનો સવાલ ઉઠતો નહતો જેને ધ્યાને રાખીને તમામ વર્ગ સાવધ હતો. સ્વીગીનો આઇપીઓ શુક્રવારે બંધ થવાનો છે. નાણાં રોકવા માગતા ઇન્વેસ્ટરોનું છેલ્લા દિવસ સુધી રાહ જોવાનું માનસ હતું.
રસપ્રદ વાત એ છે કે, સ્વીગીની સાથોસાથ એસીએમઇ સોલાર તથા સેગીલીટી ઇન્ડિયાના આઇપીઓ પણ આજથી ખુલ્યા છે. આ બન્નેમાં સ્વીગી કરતા રીસ્પોન્સ વધુ છે. બપોર સુધીમાં તે અનુક્રમે 0.35 ટકા તથા 0.50 ટકા ભરાયા હતાં.