Surat,તા.07
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્સમાં મોટી દુર્ઘટના બની છે. શિવપૂજા કોમ્પલેક્સના ચોથા માળે જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગતા બે મહિલાના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય ત્રણ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બે મહિલાના આગના કારણે મોત
મળતી માહિતી અનુસાર, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગી ત્યારે ચાર મહિલા સહિત એક વોચમેન એમ સ્ટાફના 5 લોકો હાજર હતા. અચાનક ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને એક વોચમેન બહાર ભાગ્યા હતા. જ્યારે અન્ય બે મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમમાં ઘુસી ગઈ હતી. જોકે આગ એટલી વિકારળ હતી કે તેનો ધુમાડાના કારણે સ્પામાં કામ કરતી બે મહિલાના ગૂંગળામણના કારણે મોત થયા છે. તેના શરીર પર દાઝ્યાના કોઈ નિશાન નથી. બંનેના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે.

કોમ્પલેક્સને અનેકવાર અપાઈ હતી નોટિસ
આ કોમ્પલેક્સને અગાઉ પાંચ વખત ફાયર NOC માટે નોટિસ અપાઈ ચૂકી છે. જીમમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, જે અંગે પણ જીમ સંચાલકને નોટિસ ફટકારાઈ હતી. જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયની સામે આવેલા કોમ્પલેક્સમાં આગ લાગી હતી.
‘શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ’
સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ કોમ્પલેક્ષને ફાયર NOC માટે નોટિસ પણ આપી હતી.
જીમમાંથી સ્પામાં જવાનો રસ્તો હતો
મળતી માહિતી અનુસાર, જીમમાંથી સ્પામાં જવાનો રસ્તો હતો અને આ સ્પા ગેરકાયદેસર ચલાવવામાં આવી રહ્યું હતું.