Rajkot, તા.12
રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવનાનું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે.
જામનગર રોડ, રાજકોટનાં રામપર ખાતે નિરાધાર, નિ:સંતાન વૃદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો 7 બિલ્ડીંગ,ન 11 માળ અને 1400 રૂમનો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે.
અંદાજિત રૂ.300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વૃદ્ધાશ્રમનાં લાભાર્થે વૈશ્વિક રામકથા યોજાઈ છે. 12 વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય વૈશ્વિક રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોજ 1 લાખ લોકો કથા શ્રવણ કરશે અને 50,000 લોકો ભોજન પ્રસાદ લેશે. પૂ. મોરારિબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે.
રેસકોર્સ પર મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવશે અને પૂ. મોરારિબાપૂના કટઆઉટ મુકવામાં આવશે.કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજનપ્રસાદ લઈ શકે તે માટે 90 બાય 180 ચોરસફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે.જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાહન પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1500 જેટલી કાર તેમજ 15,000 ટુ- વ્હીલરનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે.
પૂ. મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે. અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે.
રાજકોટમાં યોજાનાર વૈશ્વિક રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ હજારો રામકથા પ્રેમીઓ આવશે. પૂ. મોરારિબાપુનો પણ ખૂબ જ ભાવ છે કે સદભાવના વૃદ્ધાશ્રમનું નવનિર્મિત કામ પૂર્ણ થાય. રાજકોટની ધર્મ પ્રેમી જનતાને રામકથાનું રસપાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.