Rajkot,તા.14
શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે એકટિવા ટોઈંગ કરવા બાબતે એકટિવા ચાલક મહિલાની મિત્ર અને તેની પુત્રીએ મળી ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં તેમને પછાડી દઈ માતા-પુત્રી બંનેએ મળી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને હવે તું નોકરી કેવી રીતે કરે છે એ જોઈ લેજે તેવી ધમકી પણ આપી હતી. આ અંગે મહિલા એએસઆઈની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે માતા-પુત્રી સામે ફરજમાં રૂકાવટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ટ્રાફિક શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રાધિકાબેન અશોકભાઈ મકવાણા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હડાળા ગામે રહેતી ફિરોઝાબાનુ ગુલામહુસેન વડદડીયા અને તેની પુત્રી શમશાબાનુના નામ આપ્યા છે. પોતાની ફરજમાં હતા અને કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે પહોંચતા રોડ પર એકટીવા નંબર જીજે3 એલએસ 9895 નો પાર્કિંગમાં પડ્યું હોય જેથી તેને ટોઈંગ કરવાની કાર્યવાહી કરી હતી દરમિયાન એકટીવા ચાલક સેજલબેન ભટ્ટી ત્યાં આવ્યા હતા અને તેની સાથે ફિરોઝાબાનુ અને તેની પુત્રી શમશા પણ આવ્યા હતા ફિરોઝાએ કહ્યું હતું કે, આ સેજલબેન મારા ફ્રેન્ડ છે તેનું ટોઈંગ કરેલ એકટીવા તું નીચે ઉતાર અને તેને જવા દે નહીં તો સારાવટ નહીં રહે તેમ કહી ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. જોકે આ સમયે સેજલબેન દંડ ભરવાની તૈયારી દર્શાવી હતી અને માથાકૂટ ન કરવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં ફિરોઝા અને તેની પુત્રી શમશાએ ફરિયાદી સાથે માથાકૂટ કરી તેને ગાળો આપી એકટીવા નીચે ઉતારી દેવાનું કહ્યું હતું અને કહેતી હતી કે, એકટીવા નીચે નહીં ઉતારે તો સારાવટ નહીં રહે તેમ કહી માતા-પુત્રીએ મહિલા એએસઆઇનો કાંઠલો પકડી નીચે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા આ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પીસીઆર વાન અહીં આવી ગઈ હતી એકટિવાચાલક સેજલબેનને રૂપિયા 700 હાજર દંડ આપ્યો હતો. બાદમાં આ બાબતે મહિલા એએસઆઇએ આ માતા-પુત્રી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંને સામે મારામારી,ધમકી અને ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવા અંગે વધુ તપાસ પીએસઆઇ વી.એચ.પરમાર ચલાવી રહ્યા છે.