Rajkot તા.15
હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એકનું હૃદય થંભી ગયું છે. રાજકોટમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ ઠક્કરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. તેઓ ક્રિકેટ રમી ઘરે આવ્યાં બાદ ઢળી પડતાં દમ તોડી દિધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રામાપીર ચોકડી નજીક શાંતિનગર- 2 ના ગેટ પાસે સનસીટી એન્કલવ રહેતાં જીજ્ઞેશભાઈ અતુલભાઈ ઠક્કર (ઉ.વ.32) તેઓ ગઈ કાલ રાત્રીના ક્રિકેટ રમવા ગયાં હતાં. દરમિયાન એસિડિટી થતાં તેઓ ઘરે આવ્યાં હતાં. બાદ રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ છાતીમાં દુ:ખાવો થતાં તેઓને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક જીજ્ઞેશભાઈ ચાર્ટડ એકાઉન્ટન્ટ હતાં. અને તેઓ એક બહેનમાં નાના હોવાનું મૃતકનાં પરિવારજને જણાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. બનાવની જાણ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.