Rajkot ,તા.15
રાજકોટ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટરની છ બેઠક અગાઉ બીનહરીફ થયા બાદ હવે આગામી તા.17ને રવિવારે 15 બેઠકો માટે યોજાનારી ચૂંટણીની તૈયારીઓને જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તેમજ જીલ્લા રજીસ્ટ્રાર ડો.બીમલકુમારના માર્ગદર્શન હેઠળ આખરીઓપ આપી દેવામાં આવે છે.
નાગરિક બેંકની આ ચૂંટણીમાં હવે 15 બેઠકો માટે 26 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા ગઈકાલે સાંજે આ બન્ને પેનલને ચૂંટણી પ્રતિકની ફાળવણી કરી દેવામાં આવી છે. તેમાં સહકાર પેનલને સફરજન અને સંસ્કાર પેનલને માઈક ચૂંટણી પ્રતિક તરીકે ફાળવવામાં આવેલ છે.
આ ચૂંટણીમાં રાજકોટ ઉપરાંત જસદણ, જેતપુર, મોરબી, અમદાવાદ, સુરત અને મુંબઈ એમ 7 સ્થળોના મતદાન મથકો પર આગામી તા.17ને રવિવારે સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થનાર હોય શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા થાય તે માટે તંત્ર સજજ બની જવા પામેલ છે.
જેમાં આજે બપોરના જીલ્લા કલેકટર કચેરી ખાતે તૈયાર કરાયેલા ખાસ સ્ટ્રોંગ રૂમ પરથી મુંબઈ અને સુરતના મતદાન મથકો માટે મત પેટીઓ ખાસ વાહનમાં બે-બે નાયબ મામલતદારો, બેંક કર્મચારીઓ અને ગનમેન સાથે રવાના કરવામાં આવી હતી. આ મત પેટીઓ રવાના થાય તે પૂર્વે સહકાર અને સંસ્કાર પેનલના પ્રતિનિધિઓને જીલ્લા કલેકટર કચેરી ખાતે બોલાવી મત પેટીઓની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેલેટ પેપરો પણ રવાના કરવામાં આવેલ છે. નાગરીક બેંકની આ ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેવો જ માહોલ સર્જાવા પામેલ છે. બેઠકો કબ્જે કરવા માટે સહકાર અને સંસ્કાર પેનલના મહારથીઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. નાગરિક બેંકની બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણીના સાતેય મતદાન મથકોનું વિડીયો રેકોર્ડીંગ અને વેબ કાસ્ટીંગ કરવામાં આવનાર છે.
મતદાન મથકો પર પ્રીસાઈડીંગ ઓફીસર તરીકે નાયબ મામલતદારો સર્વશ્રી વર્ષાબેન વેગડા, સંદીપભાઈ ચોવટીયા, અશ્ર્વિનભાઈ દોશી, મુકેશભાઈ રાઠોડ, વિક્રમસિંહ તેમજ ગીતાબેન જીવાણી સહિતનાઓને જવાબદારી સોંપવામાં આવી છે. નાગરિક બેંકની આ ચૂંટણીને લઈને આજે રજાના દિવસે પણ કલેકટર કચેરી સતત ધમધમતી રહી હતી. કલેકટર કચેરીમાં આ ચૂંટણીની મતપેટીઓ માટે ખાસ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરી પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવેલ છે.