RAJKOT, તા.16
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શીખ તથા સિંધી સમાજ દ્વારા શીખ ધર્મના પ્રથમ ગુરૂ નાનક દેવની 555મી જન્મ જયંતીની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. ઠેર ઠેર શોભાયાત્રા, પાઠ સાહેબ, શબદ કીર્તન, લંગર સહિતના આયોજનો કરવામાં આવેલા હતા.
રાજકોટમાં સિંધી તથા શીખ સમાજ દ્વારા ગુરૂ નાનક દેવની 555મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવેલા હતા. અનેરા ઉમંગ સાથે ગુરૂ નાનક દેવની જન્મજયંતી ઉજવવામાં આવી હતી.
જુનાગઢ
ગઈકાલે તા.15 નવેમ્બરના જુનાગઢમાં ગુરૂ નાનકજીની 555મી જન્મ જયંતી શીખ અને સિંધી સમાજ દ્વારા ઉજવવામાં આવી હતી. વહેલી સવારે પ્રભાતફેરી, ગુરૂ ગ્રંથ સાહેબનું વાંચન, ગુરૂદ્વારોમાં આરતી-પૂજન, ભજન, સત્સંગ, સમુહ પ્રસાદ, કેક કટીંગ ઉપરાંત રાત્રીના આતશબાજી ફટાકડા ફોડીને કરવામાં આવી હતી.
શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનક દેવની જન્મ જયંતી ગુરૂ પર્વ અને પ્રકાશ વર્ષ પર્વ તરીકે ઉજવાય છે. 555મી જન્મ જયંતિ પ્રસંગે ગુરૂદ્વારાને રોશનીથી શણગારવામાં આવ્યા છે. વહેલી સવારથી મધ્ય રાત્રી દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જુનાગઢમાં અંબીકાનગર, સીંધી સોસાયટી, સંઘાડીયા બજાર, આદર્શનગર, મોહનનગર, મયારામ આશ્રમ સામે બાબા હરિરામ દરબાર સર્કલ ચોક સહિતમાં વિવિધ કાર્યક્રમો યોજી ઢોલ નગારા શરણાઈના શુર સાથે પ્રભાતફેરી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી.
બપોરના લંગર પ્રસાદ હજારોની સંખ્યામાં સિંધી ભાઈ બહેનો શીખ સમુદાયે લાભ લીધો હતો. ઝુલેલાલ મ્યુઝીકલ ગ્રુપ દ્વારા મ્યુઝીકલ પાર્ટી આદર્શનગર ખાતે સમુહ પ્રસાદ- ભંડારો સહિતના કાર્યક્રમો યોજી રાત્રીના કેક કટીંગ બાદ ફટાકડાની આતશબાજી યોજાતા શીખ અને સિંધી સમાજના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા.
કોડીનાર
કોડીનાર લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા કોડીનાર સિંધી સોસાયટી ખાતે આવેલ ગુરુનાનક મંદિર ખાતે થી વહેલી સવારથીજ ભક્તિમય વાતાવરણ માં ગુરુનાનક જયંતિ ઉજવણી શરૂ કરવામાં આવી જેમાં સવારે મંદિર ની ધજા સાહેબ અને ત્યાર બાદ સત્સંગ, ભોગ સાહેબ તેમજ સર્વે સમાજ દ્વારા એક સાથે રાત્રે જન્મ દિવસ ની ઉજવણી રૂપે કેક કાપી એક બીજાને શુભ કામનાઓ આપી.આ સાથે યુવાનો દ્વારા સેવાના માધ્યમ થી રાશનકાર્ડ ઈ.કે.વાય.સી તેમજ બ્લડ ગ્રુપ ચેક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વેરાવળ
વેરાવળમાં 555 મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી પ્રસંગે પ્રભાત ફેરી, લંગરપ્રસાદ તેમજ શોભાયાત્રા યોજાઇ હતી. કીર્તન સમાગમ, ભોગ સાહેબ, સહિતના કાર્યક્રમો યોજાયા:રાત્રે દીપમાલા સાથે નગરકીર્તન બાદ જય જયકાર સાથે ભવ્ય ઉજવણી કરેલ હતી.
વેરાવળમાં 555 મી ગુરૂનાનક જયંતીની ઉજવણી કરાયેેલ જેમાં વ્લી સવારે 5-15 કલાકે ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા થી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સમાગમ, ત્યારબાદ ભોગ સાહેબ, બપોરે સમૂહ લંગર પ્રસાદ, શોભાયાત્રા શહેરના ટાવર ચોક, લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ થઈ, ગુરૂનાનક ચોક, બિહારીનગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળી હતી. ઉપરાંત રાત્રે 11 કલાકે ગુરૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન યોજાયા બાદ રાત્રે સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ, “ગુરૂ જો સચો સોદો” થીમ પર બાળકોનું નાટક, રાત્રે 1-20 કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સિંધી સમુદાયના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત પ્રભાસ પાટણમાં સિંધી સમાજ દ્વારા સવારે 5 કલાકે સિંધી સોસાયટી બાયપાસ ખાતે થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું જે વેણેસ્વર સોસાયટી, રામરાખ ચોક, મેઈન બજાર, દરજીવાડા થઈ ચોગાન ચોક ખાતે પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ 11 કલાકે ભોગ સાહેબ, બપોરે સમૂહ ભંડારો, સાંજે 5 કલાકે ચોગાન ચોક ગુરૂદ્વારા થી શોભાયાત્રા યોજાઈ હતી. રાત્રે 1-20 કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવ જી નાં અવતાર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિસાવદર
વિસાવદર સીંધી સમાજ તરફથી આજે ગુરૂનાનકજી ના જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.જેમા વિસાવદર સમસ્ત સીંધી સમાજના લોકો આરતી પૂજન સાથે મંદિરે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.વિસાવદર સીંધી સમાજના પ્રમુખ નંદલાલ પોપટે પોતાની યાદીમાં જણાવાયુ હતું તેમજ આ પવેની શુભકામનાઓ આપી હતી.